ભરૂચ-

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શાળાઓ શરુ કરવા સંદર્ભે વેબિનાર યોજાયો હતો, જેમાં ભરૂચના 97 શિક્ષકો, વાલીઓ અને સંચાલકો જોડાયા હતા. લોકડાઉન બાદ અનલોકની પ્રક્રિયામાં અર્થવ્યવસ્થાની સાથે મોટાભાગની સેવાઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ શાળાઓ હાલ પુરતી બંધ છે. દિવાળી વેકેશન પણ જાહેર થઇ ગયું છે. હવે વેકેશન પૂરું થયા પછી શાળાઓ કેવી રીતે શરૂ કરવી તે અંગે સરકારે વાલીઓ, શાળા સંચાલકો,શિક્ષકો અને અધિકારીઓના મંતવ્ય માંગ્યા હતા. જેને ધ્યાનમાં લઈને બુધવારે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વેબિનારનું આયોજન કરાયું હતું જેમાં ભરૂચના 97 શિક્ષકો, વાલીઓ અને સંચાલકો જોડાયા હતા. દરેકે યોગ્ય ધારાધોરણો સાથે લાભપાંચમથી માધ્યમિક શાળાઓ શરૂ થવી જોઈએ તેવો મત આપ્યો હતો. હાલ પૂરતા પ્રાથમિક શાળાઓને બાકાતા રાખી છે. દરેક વિસ્તારની સ્થાનિક પરિસ્થિતિને અનુસરીને SOP (સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિઝર) બનાવીને શાળાઓ શરૂ કરવા મત વ્યક્ત કર્યો હતો. જ્યારે શાળાઓ શરૂ કરતા પહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં કોરોના અંગે જાગૃતિ આવે તે માટે કેમ્પેઇન કરવાનું અધિકારીઓએ સૂચન કર્યા હતું. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સૂચનો સરકારમાં મોકલી આપવામાં આવ્યા છે.