પાટણ-

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસ રિએસેસમેન્ટ કૌભાંડને લઇને વિરોધ વધી રહ્યો છે. એનએસયુઆઇ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કુલપતિના રાજીનામાની માગ કરવામાં આવી રહી છે. આજે એનએસયુઆઇ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને કુલપતિ પર સાડી ફેંકી વિરોધ નોંધાવ્યો હતો અને રાજીનામાની માગ કરી હતી.

મો કાળુ કરી ગધેડા પર બેસાડી વિરોધ કરીશુ એનએસયુઆઇના કાર્યકર્તાઓ આજે ફરીવાર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા અને કુલપતિના રાજીનામાની માગ કરી હતી. આ અંગે એનએસયુઆઇ પ્રમુખ દાદુજી ઠાકોરે જણાવ્યું હતું કે, જાે રાજીનામું નહીં આપે તો મો કાળું કરીને ગધેડા પર બેસાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં એમીબીએસના રિએસેસમેન્ટ કૌભાંડ મામલે શિક્ષણ મંત્રી દ્વારા ગૃહ વિભાગના અધિક સચિવને તપાસ સોંપવામાં આવી છે. ત્યારે કૌભાંડ અંગે એક સપ્તાહમાં તપાસ કરી કાર્યવાહી કરવાની સરકારની જાહેરાત કરાઈ હતી. પરંતુ બે સપ્તાહ પૂર્ણ થવા છતાં હજુ સચિવ તપાસ માટે યુનિવર્સીટીમાં આવવામાં વિલંબ થઇ રહ્યો છે જેને લઇ સરકાર સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં ૨૦૧૮માં એમબીબીએસના ૩ છાત્રોને રિએસેસમેન્ટમાં ઉત્તરવહી બદલી નાપાસ માંથી પાસ કરવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ કથિત કૌભાંડમાં કુલપતિ સહીત અનેક મોટા નામો ચર્ચાયા છે.