અમદાવાદ-

ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં લેવામાં આવનારી સેમિસ્ટર એક, ચાર અને છના વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઈન આપવી કે ઓફલાઈન તે વિદ્યાર્થીઓ પસંદ કરી શકશે. ૨૧મી મે સુધીમાં વિદ્યાર્થીઓને આ વિકલ્પ પસંદ કરવાનો સમય આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સંમતિ આવ્યા પછી ઓનલાઈન પરીક્ષા ક્યારે લેવામાં આવશે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર-૧ની પરીક્ષા લેવામાં આવી હતી. બીજા તબક્કાની ઓનલાઈ પરીક્ષા આગામી દિવસોમાં લેવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. આ સિવાય આગામી દિવસોમાં બી.એ., બી.કોમ, બી.એસ.સી અને બીસીએની સેમિસ્ટર એક, છ ઉપરાંત બી.એડ, એમ.એ., એમ.કોમ. અને એમ.એડ. સેમિસ્ટર-૪ અને બી.એડ. સેમિસ્ટર-૧ની પરીક્ષા લેવાનું આવનાર છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને ઓનલાઈન અથવા ઓફલાઈનમાંથી કોઈ વિકલ્પ પસંદ કરવાની તક આપવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓ પોતાનો વિકલ્પ ૨૧મી મે સુધીમાં પસંદ કરી લે. જેઓ ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કરશે તેની પરીક્ષા આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપવાનો વિકલ્પ પસંદ કરશે તેમની પરીક્ષા કોરોના મહામારી ઓછી થયા પછી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.