જૂનાગઢ-

9 મહિના બાદ આજથી બીજા તબક્કામાં ધોરણ 9 અને 11નાં વર્ગખંડોનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે રાજ્ય સરકારે જે દિશાનિર્દેશો સાથે શરૂ કરવાની મંજૂરી આપી છે, તેને લઈને જૂનાગઢની શૈક્ષણિક સંસ્થાઓ અને શાળા તેમજ સંકુલો વિદ્યાર્થીઓની હાજરીથી 9 મહિના બાદ જીવંત બની રહ્યા છે. પાછલાં નવ મહિનાથી સતત ઓનલાઇન અભ્યાસને કારણે વિદ્યાર્થીઓને પણ હવે માનસિક પરિતાપમાંથી બહાર આવીને વર્ગખંડનું શિક્ષણ કાર્ય મળવા જઈ રહ્યું છે. જેને લઈને પોતાનો રાજીપો વ્યક્ત કરી રહ્યા છે.

રાજ્ય સરકારે બીજા તબક્કામાં પણ કેટલાક દિશાનિર્દેશોને ચુસ્તપણે પાલન કરવાની શરતે શાળાઓ ખોલવાની મંજૂરી આપી છે. જે મુજબ શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે સ્પષ્ટ અંતર રહે, એક બેન્ચ પર એક જ વિદ્યાર્થી બેસે, શાળાનાં સમગ્ર શૈક્ષણિક કાર્ય સુધી વિદ્યાર્થીઓ સતત માસ્ક પહેરેલું રાખે તેમજ રિસેષનાં સમય દરમિયાન વિદ્યાર્થીઓ એકઠાં ન થાય અને પાણી કે નાસ્તા જેવી કોઈપણ પ્રકારની ચીજો શાળામાં લાવવા પર મનાઇ કરવામાં આવી છે. આવા અનેક સૂચનો અને દિશાનિર્દેશોનું પાલન કરાવવાની સાથે આજથી જૂનાગઢમાં શાળાઓ શરૂ થઈ રહી છે. જેનો અમલ શાળાનાં શિક્ષકો અને વ્યવસ્થાપકો ખૂબ જ ગંભીરતાપૂર્વક પ્રત્યેક વિદ્યાર્થીની જાત ચકાસણી અને નિરીક્ષણ કરીને કરી રહ્યા છે.