અમદાવાદ-

ગુજરાતમાં શાળા-કોલેજ શરુ કરવાને લઇને રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંનું નિવેદન સામે આવ્યું છે. શિક્ષણમંત્રીએ રાજ્યમાં શાળા-કોલેજ ખોલવાને લઇને કહ્યું છે કે ગુજરાત પ્રથમ રાજ્ય નથી, અન્ય રાજ્યોમાં પણ ખોલવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે સરકારે રાજ્યમાં 9થી12 ધોરણને લઇને સ્કૂલ ખોલવાની મંજૂરી આપી હતી. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળા-કોલેજ શરુ કરવાને લઇને નિવેદન આપતાં કહ્યું કે સ્કૂલો-કોલેજો ખોલવાને લઇને ગુજરાત પ્રથમ રાજ્ય નથી, રાજ્યોમાં પણ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે 7 રાજ્યોમાં સપ્ટેમ્બર મહિનામાં જ શાળાઓ ખોલી નાંખવામાં આવી હતી. શિક્ષણમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર બાળકની સલામતી સંદર્ભે કોઇપણ બાંધછોડ નહીં કરે. સરકાર પોતાની જવાબદારીથી ભાગી રહી નથી. બાળકની જવાબદારી માટે સરકાર, શાળા અને વાલી જવાબદાર છે.

ચુડાસમાએ જાહેરાત કરી છે કે, દિવાળી પછી 23 નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કોલેજ યુનિવર્સીટીમાં ભૌતિક રીતે શિક્ષણ કાર્ય શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 23 નવેમ્બર સોમવારથી ધો 9 થી 12 ના વર્ગો ભારત સરકારની ગાઇડલાઇનના સંપૂર્ણ પાલન સાથે શરૂ કરાશે. કોલેજોમાં પણ 23 નવેમ્બરથી શિક્ષણ કાર્ય શરૂ થશે. રાજ્ય સરકારે સ્કૂલો માટે અને વિદ્ય્રાથીઓ માટે કેન્દ્ર સરકારની એસઓપીનું ફરજિયાત પાલન કરાવવાનું રહેશે. હાલમાં મધ્યાહન ભોજન કે રિસેસમાં બાળકો ભેગા ન થાય તે માટેની જવાબદારી સ્કૂલમાં આચાર્યની રહેશે. બાળકને સ્કૂલે મોકલવા માટેનું ફોર્મ માતાપિતાએ સંમતિપત્રક ભરીને આપવું પડશે. સ્કૂલોમાં વર્ગો ઓડ ઈવન પ્રમાણે ચાલુ કરવાના રહેશે. અઠવાડિયામાં 3 દિવસ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય માટે સ્કૂલોએ જવું પડશે.