અમદાવાદ-

કોરોના મહામારીને કારણે દેશમાં હજુ શાળા-કોલેજો મોટાભાગે બંધ છે તેવા સમયે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સ્કુલ બેગના વજન વિશે નીતિવિષયક ભલામણો જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ધો.1થી10ના વિદ્યાર્થીઓની સ્કુલબેગનું વજન બાળકના વજનના 10 ટકાથી વધવુ ન જોઈએ. આ ઉપરાંત ધો.2 સુધીના વિદ્યાર્થીઓને હોમવર્ક નહીં આપવાની પણ તાકીદ કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ વિભાગની ભલામણમાં એવું સૂચવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓની સ્કુલબેગનું વજન નિયમિત ધોરણે ચકાસવાનું રહેશે. ખભ્ભાની બન્ને બાજુ સમતોલ વજન રહે તે પ્રકારની સ્કુલબેગ રાખવાની થશે. સ્કુલબેગમાં વ્હીલ રાખવાની મનાઈ રહેશે. કારણ કે તેનાથી બાળકોમાં ઈજાનું જોખમ સર્જાઈ શકે છે. દરેક ટેકસબુકમાં પણ વજન છાપવાની ભલામણ કરવામાં આવી છે. એનસીઈઆરટી દ્વારા વિવિધ સર્વે તથા અભ્યાસના આધારે ભલામણો તૈયાર કરવામાં આવી છે. 3624 વિદ્યાર્થી તથા 2992 વાલીઓના ડેટા એકત્ર કરવામાં આવ્યા હતા. 352 શાળાઓને સર્વેમાં આવરી લેવામાં આવી હતી.