અમદાવાદ-

ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજી સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 5ની પરીક્ષા આગામી 29 ડિસેમ્બર અને 7 જાન્યુઆરી એમ બે તબક્કામાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ તમામ પરીક્ષાઓ માત્ર ઓફ્લાઇન અને માત્ર અમદાવાદમાં જ લેવાનું નક્કી કરાયું હતું. પરંતુ હવે ઓનલાઇન અને ઓફ્લાઇન એમ બંને પ્રકારે પરીક્ષા લેવાશે. યુનિવર્સિટી દ્વારા અગાઉ 8 અને 17 ડિસેમ્બરથી સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 5ની પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ એ સમયે કોરોનાના કેસમાં થઇ રહેલા સતત વધારાને પગલે આ પરીક્ષા સ્થગિત કરાઇ હતી. હવે ફરીવાર યુનિવર્સિટીએ આગામી 29 ડિસેમ્બર અને 7 જાન્યુઆરીના બે તબક્કામાં પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત માત્ર અમદાવાદ નહીં પરંતુ અગાઉ લેવાયેલી પરીક્ષામાં જે પ્રમાણે કેન્દ્રો ફાળવાયા હતા તે મુજબ રાજ્યના 45 કેન્દ્રો પરથી પરીક્ષાનું આયોજન કરાશે. વિદ્યાર્થીઓએ પસંદ કરેલા પરીક્ષા કેન્દ્ર પર પૂરતી સંખ્યા નહીં હોય અથવા વિદ્યાર્થી નિયત સમયમર્યાદામાં પસંદગી આપવાનું ચૂકી જશે તો તેમની બેઠક વ્યવસ્થા યુનિવર્સિટીએ રાબેતા મુજબની જે વ્યવસ્થા કરી છે તેમાં પરીક્ષા આપવાની રહેશે. કોરોનાને પગલે તમામ ફેકલ્ટીની જે તે સેમેસ્ટરની પરીક્ષાનો સમય બે કલાકનો રાખવામાં આવશે.