સુરત-

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી ચોથી ઓગસ્ટથી એમબીબીએસ બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરીની ફાઈનલ યરની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે. આ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં કચવાટ જાેવા મળી રહ્યો છે. કોરોના સંકટ વચ્ચે પરીક્ષા લેવામાં આવી રહી હોવાથી વિદ્યાર્થીઓ મૂંજવણમાં મુકાયા છે. કોરોના થાય તો જવાબદાર કોણ? સાથે જ એક સપ્તાહ અગાઉ જ પરીક્ષાની તારીખો જાહેર થઈ હોવાથી રિવાઈઝ કરવાનો સમય ન મળ્યો હોવાની વાત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે. જાે કે, આ અંગે યુનિવર્સિટી કુલપતિ દ્વારા કહેવાયું છે કે, મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની ગાઈડ લાઈન પ્રમાણે પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓને કોઈ જ જાતની તકલીફ ન થાય તે પણ ધ્યાન રાખવામાં આવશે.

યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં વિરોધ જાેવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યા છે કે, પરીક્ષાની તારીખો માત્ર એક અઠવાડીયા અગાઉ જ જાહેર કરાઈ તે કેટલી યોગ્ય છે. વિદ્યાર્થીઓને રિવાઈઝ આ સમય ગાળામાં કેમ કરવું અને સુરત બહાર રહેતા વિદ્યાર્થીઓ પરીક્ષા કઈ રીતે આપી શકશે. સાથે જ હાલ જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે તેવા સમયે પરીક્ષા દરમિયાન કોરોના થાય તો જવાબદાર કોણ રહેશે.

યુનિવર્સિટીએ ઉતાવળમાં પરીક્ષાની તારીખો જાહેર કરી છે વિદ્યાર્થીઓને રિવાઈઝ માટે સમય પણ આપ્યો નથી. આ બધા મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટીના કુલપતિ શિવેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે, એમસીઆઈની ગાઈડલાઈન પ્રમાણે પરીક્ષા યોજવામાં આવશે. સરકારના નિયમો પ્રમાણે ગુજરાત અને દેશભરમાં પરીક્ષાના આયોજન થઈ રહ્યાં છે.એ રીતે જ પરીક્ષા યોજાશે. બહારના વિદ્યાર્થીઓ માટે પણ યુનિવર્સિટી દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. કોઈને તકલીફ ન થાય અને વિદ્યાર્થીઓનું હિત જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.