અમદાવાદ-

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટીની(જીટીયુ) પરીક્ષાઓ ઓફલાઇન લેવાના નિર્ણયને પડકારતી અરજી વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ અરજીમાં જીટીયુની પરીક્ષા ઓનલાઈન લેવાની માંગણી કરી છે જે મામલે હાઇકોર્ટે જીટીયુને આગામી ૬ જાન્યુઆરીએ અદાલતમાં હાજર રહેવા આદેશ કર્યો છે.

જીટીયુએ આગામી સેમેસ્ટરની પરીક્ષાઓ ઓનલાઈન નહીં લેવાનો નિર્ણય કર્યો હતો. જીટીયુએ આગામી પરીક્ષા ઓફલાઇન લેવા નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય બાબત છે કે, જીટીયુ રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી છે જેને ઓનલાઈન પરીક્ષાઓ લીધી હતી. જીટીયુએ ફાઇનલ યરની પરીક્ષાઓ કોરોના મહામારીને કારણે ઓનલાઈન લીધી હતી. જે બાદ યુનિવર્સિટીએ સેમેસ્ટરની પરીક્ષાઓ ઓનલાઈન નહીં લેવાનો નિર્ણય કર્યો છે. યુનિવર્સિટીની પરીક્ષા સમિતિએ ઓનલાઇન પરીક્ષાઓ પર પ્રતિબંધ મુકતા કહ્યું હતું કે, ઓનલાઈન વિદ્યાર્થીઓની પરીક્ષામાં ફક્ત ઓએમઆર પ્રશ્નો જ પૂછી શકાય છે જે એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓના હિતમાં નથી. એન્જીનીયરીંગ મોટાભાગે ડ્રોઈંગ પર આધારિત હોય છે પરંતુ ઓએમઆર પદ્ધતિ થકી ડ્રોઈંગ અંગેનો પ્રશ્ન પણ લઈ શકાતો નથી જેથી ઓનલાઈન પરીક્ષા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

યુનિવર્સિટીના નિર્ણય બાદ અમુક વિદ્યાર્થીઓએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં કરેલી અરજીમાં જણાવાયું છે કે, ઓફલાઇન પરીક્ષાને કારણે કોરોના સંક્રમણ થવાની શકયતા વધી જશે. ઓફલાઇન પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ મુસાફરી કરીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવું પડશે અને સાથોસાથ કેન્દ્ર ખાતે ભીડનો ભાગ પણ બનવું પડશે જેથી સંક્રમણની શક્યતાઓ ખૂબ વધી જાય છે. જેના કારણે વિદ્યાર્થીઓએ ભારે હાલાકી અને સંકટનો પણ સામનો કરવો પડશે.

વિદ્યાર્થીઓની અરજીનું અવલોકન કર્યા બાદ જસ્ટિસ વૈભવી નાણાંવટીએ જીટીયુને નોટિસ ફટકારી છે અને તેમનો પક્ષ રજૂ કરવા ૬ જાન્યુઆરીના રોજ કોર્ટ ખાતે હાજર રહેવા આદેશ પણ કર્યો છે. મહત્વપૂર્ણ બાબત છે કે, જીટીયુએ સફળતાપૂર્વક ઓનલાઈન લીધેલી પરીક્ષાઓ બાદ રાજ્યની અનેક યુનિવર્સિટીઓએ ઓનલાઈન પરીક્ષા લેવાની તૈયારી બતાવી હતી. જીટીયુએ કુલ ત્રણ રાઉન્ડ થકી કુલ ૬૦ હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની તૈયારી કરી હતી જેમાંથી ૫૨ હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષામાં હાજરી આપી હતી. બાકીના વિદ્યાર્થીઓએ ઓફલાઇન પરીક્ષાઓ આપી હતી.