અમદાવાદ-

ગુજરાત યુનિવર્સિટીના યુજી અને પીજી કોર્સના સેમેસ્ટર-૩ અને ૫ ના વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા જાન્યુઆરી અંતમાં અથવા તો ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં લેવાય તેવી શક્યતા છે. કેટલાક ટેકનિકલ ઈસ્યુનો ઉકેલ આવી જાય તેની રાહ જાેવાઈ રહી છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં કોઈ તકલીફ પડે નહીં તે પ્રકારનું આયોજન ચાલી રહ્યું છે.

ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા હાલમાં જ પુરી થઈ છે પરંતુ હજુ સુધી ઓનલાઈન પરીક્ષાની તારીખ જાહેર નહીં થતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં છે. ક્યારે પરીક્ષા લેવાશે તેની પરીક્ષા વિભાગમાં પૂછપરછ કર્યા કરે છે. પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું કે ઓનલાઈન પરીક્ષા જાન્યુઆરી અંતમાં અથવા તો ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં લેવાઈ શકે છે. યુજીમાં સેમેસ્ટર-૩ અને ૫ના તથા પીજીમાં સેમેસ્ટર-૩ના મળી ૪૮ હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે.

લેપટોપ, ડેસ્કટોપ, મોબાઈલથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. તેમનું ડિવાઈસ કેમેરાવાળું હોવું જાેઈએ. પરીક્ષા એમસીકયું પદ્વતિથી લેવાશે. યુનિવર્સિટીએ હાલમાં જ ઓફલાઈન પરીક્ષા લીધી તેમાં બે લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા. હજુ યુજી અને પીજીની સેમેસ્ટર-૧ની પરીક્ષા બાકી છે. જેમાં આશરે સવા લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કેટલાક ટેકનિકલ ઈસ્યુનો ઉકેલ આવી જાય ત્યારબાદ ઓનલાઈન પરીક્ષાની તારીખો જાહેર કરી દેવાશે.