ગાંધીનગર-

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સમક્ષ ફી-માફી અંગે નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું છે કે વાલીઓ સાથે અને શાળાઓ સાથે વાત કર્યા બાદ નિર્ણય લીધો છે કે 25 ટકા ફી ઘટાડવામાં આવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું સ્વિમિંગ ફી, ઇતર પ્રવૃત્તિ ફી ઇત્યાદી ફી વાલીઓએ આપવાની નથી. 

તેમણે એવું પણ જણાવ્યું હતું કે ખાનગી શાળાઓના શિક્ષકોને પગાર ન મળવાની જે ફરિયાદ ઊઠી રહી હતી એ મામલે પણ ખાનગી શાળાઓ સાથે વાત કરવામાં આવી છે. બેઠકમાં વાલીઓએ શાળાની ટ્યુશન ફીમાં 50 ટકાનો ઘટાડો કરવાની માગનું પુનરાવર્તન કર્યું હતું. 

ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે "અમે આ મુદ્દે બીજી વખત બેઠક કરી હતી. આમારી માગ છે કે ટ્યુશન ફીમાં 50 ટકા અને 14 સહ-અભ્યાસક્રમ પ્રવૃત્તિઓમાં 100 ટકા કપાત કરવામાં આવે. આની જાહેરાત રાજ્ય સરકારે અગાઉ કરી હતી." બે દિવસ પહેલા વાલી મંડળમાંથી નરેશ શાહ, ભાવિન વ્યાસ, અમિત પંચાલ, કમલ રાવલ સહિત આગેવાનો શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહને મળવા ગયા હતા. તેમાં સરકાર દ્વારા 25 ટકા ફી માફીની વાત કરાઈ હતી. જ્યારે વાલી મંડળમાં 50 ટકા અને 100 ટકા ફી માફીની માંગ કરાઈ હતી.