અમદાવાદ-

અમદાવાદની અગ્રણી ૪૦ જેટલી સ્કૂલોના એસોસિએશન ઓફ પ્રોગ્રેસીવ સ્કૂલ (એઓપીએસ) દ્વારા ફી માફી મુદ્દે સરકાર સમક્ષ પોતાનો અભિપ્રાય આપ્યો છે જેમાં દરેક વાલી ૩૧ ઓક્ટોબર સુધીમાં બાકીના ૬ મહિનાની ફી ભરી દે તો જ ૨૫ ટકા ફી માફી આપવાની તૈયારી દર્શાવી છે. અગ્રણી સ્કૂલોના સંચાલકોએ શરતી ફોમ્ર્યુલા આપીને સરકાર પર દબાણ ઊભું કરવા પ્રયાસ કર્યો છે. ફી માફી મુદ્દે હજુ પણ સંચાલકો, વાલી મંડળ અને સરકાર વચ્ચે કોમન ફોર્મુલા તૈયાર થઇ નથી. વાલીઓને ફીમાં રાહત આપવાના મુદ્દે દરેક પક્ષ પોતાની ફોર્મુલા પર અડગ છે. શહેરની જાણીતી સ્કૂલોના સંગઠન એસોસીએશન ઓફ પ્રોગ્રેસીવ સ્કૂલ (એઓપીએસ) દ્વારા ફી નક્કી કરવા મુદ્દે સરકારને પોતાનો પક્ષ મોકલ્યો હતો.

જેમાં વાલીઓ સમયસર અને નક્કી કરેલા સમયે તમામ ફી ચુકવે તો ફીમાં રાહત આપવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ આ લાભ માત્ર સમયમર્યાદામાં પુરી ભરનાર વાલીઓને જ મળશે તેવી પણ સ્પષ્ટતા કરાઇ હતી. સ્કૂલો ફી માફ કરવાના બહાના હેઠળ પોતાની ફી પણ ઉઘરાવી લેવા માંગે છે. આ અંગે એઓપીએસના પ્રેસિડેન્ટ મનન ચોક્સીએ જણાવ્યું હતું કે, જે વાલી ૩૧ ઓક્ટોબર સુધીમાં છેલ્લા છ મહિનાની પુરી ફી ભરી દેશે તેમની ૨૫ ટકા ફી માફ કરીશું. પરંતુ જે વાલી જુની ફી નક્કી કરેલા સમય સુધી નહીં ભરે તેને ફી માફીનો લાભ મળશે નહીં.