ગાંધીનગર-

સંશોધન ક્ષેત્રે ગુજરાતના યુવાનો ઉપર સમગ્ર દેશની આશાઓ- અપેક્ષાઓ છે. ગુજરાતના યુવાનો નવા સંશોધનો દ્વારા પ્રજાકલ્યાણમાં પોતાનું મહત્તમ પ્રદાન આપશે તેવો મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તથા રાજ્યની ૧૦ યુનિવર્સિટી- ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા "પરમ શાવક" સુપર કોમ્પ્યુટર અર્પણ કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, વધુ નવા 10 સુપર કોમ્પ્યુટર મળવાથી ગુજરાતનો યુવાન વિશ્વના અન્ય દેશોના યુવાનો સાથે સીધી સ્પર્ધા કરી શકશે. એટલું જ નહિ, સુપર કોમ્પ્યુટર દ્વારા નવીન સંશોધન અને સ્ટાર્ટઅપની પક્રિયા વધુ ઝડપી બનશે. 

ગુજરાતનો યુવાન આગામી દિવસોમાં સંશોધન ક્ષેત્રે તમામ પડકારો ઝીલવા સજ્જ છે. સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રમાં રાજ્યના યુવાનોના રસ-રૂચિને કેળવવા માટે સાયન્સ સિટી ખાતે આધુનિક રોબોટિક ગેલેરીનું નિર્માણ કરાશે તેવી નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ યુવા છાત્રોને પ્રેરણા આપતાં કહ્યું કે, વિશ્વ 21મી સદીમાં ભારત પ્રત્યે આશા-અપેક્ષાની મીટ માંડીને બેઠું છે ત્યારે ભારતની આશા યુવા પેઢી સાથે જોડાયેલી છે. મુખ્યમંત્રીએ યુવાઓને નવા આવિષ્કાર થકી લોકઉપયોગી સંશોધનો કરવા માટે આહ્વવાન કરતાં જણાવ્યું કે, ગુજરાતનો યુવાન આજે "જોબ સિકર નહી પણ જોબ ક્રિએટર" બન્યો છે. 

સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ માટે વૈશ્વિકકક્ષાની i Creat સંસ્થા માત્ર ગુજરાતમાં કાર્યરત છે તેમજ ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થાઓ IIT અને IIM ઉપલબ્ધ બની છે. ગુજરાતમાં વૈશ્વિકકક્ષાની PDPU, NFSU, GNLU, રક્ષા શક્તિ યુનિવર્સિટી જેવી સંસ્થાઓ કાર્યરત છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી અમદાવાદ- ગાંધીનગર શૈક્ષણિક હબ તરીકે પ્રસ્થાપિત થયું છે તે સરકારની શિક્ષણ ક્ષેત્રની રૂચિ-રસ દર્શાવે છે તેમ મખ્યમંત્રીએ ઉમેર્યું હતું.