વડોદરા-

વડોદરાની ચાર શાળાઓને 2 કરોડનો દંડ ફી રેગ્યુલેશન કમિટીએ કર્યો છે. કમિટીને એવી ફરિયાદ મળી હતી કે આ શાળાઓ વાલીઓ પાસેથી નિયમ ઉપરાંતની ફી વસુલતી હતી. કમિટીએ તપાસ કરીને તેમને દંડ કર્યો છે અને વાલીઓને ફી પરત કરવાનો આદેશ કર્યો છે.

રિપોર્ટ મુજબ વડોદરાની પોદાર વર્લ્ડ, પોદાર ઇન્ટરનેશનલ, ડીપીએસ હરણી અને ડીપીએસ કલાલી સામે વાલીઓએ ફરિયાદ કરી હતી કે તેમની પાસેથી નક્કી કરાયેલી ફી કરતા વધુ ફી વસુલાઇ રહી છે. ફી રેગ્યુલેશન કમિટીએ તેની તપાસ હાથ ધરી હતી. શાળાઓનો પણ જવાબ લેવામાં આવ્યો હતો. અંતે સાબિત થયું હતું કે આ શાળાઓ વાલીઓની લૂંટ ચલાવી રહી હતી.

પોદ્દાર વર્લ્ડ સામે ફરિયાદ હતી કે તેઓ લેઇટ ફીના નામે વાલીઓ પાસેથી વધુ રૂપિયા લઇ રહ્યા છે. તેઓ દર અઠવાડિયે રૂ. 300ની લેઇટ ફી લેતા હતા. કમિટીએ વાલીઓને રૂ. 2 લાખ પરત કરવાનો આદેશ કર્યો હતો. જ્યારે પોદાર ઇન્ટરનેશનલ શાળામાં 1500 વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી ઉઘરાવાઇ હતી. આ શાળાને રૂ. 27 લાખનો દડ થયો છે એટલે કે તેણે આટલા રૂપિયા વાલીઓને પરત કરવા પડશે. આ ઉપરાંત ડીપીએસ કલાલીમાં 2900 વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી વધુ રૂપિયા ઉઘરાવાયા હતા. આ શાળાએ વાલીઓને રૂ. 52 લાખ પરત કરવા પડશે. તો ડીપીએસ હરણીએ 2100 વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 28 લાખ વધુ ઉઘરાવ્યા હતા. તેમણે પણ આ ફીસ વાલીઓને પરત કરવી પડશે.