વડોદરા-

રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ક્લાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. કોરોના મહામારી બાદ સરકાર દ્વારા ક્રમશઃ શાળા કોલેજો ખોલવાની છૂટ આપી છે. જેને પગલે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં FYનાં વર્ગો શરૂ થવાના હતા. જોકે, વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. વર્ગો શરૂ કરવાની વાત વચ્ચે યુનિવર્સીટીની મોટાભાગની ફેકલ્ટીઓમાં ક્યાંય વિદ્યાર્થીઓ નજરે પડ્યા ન હતા અને વર્ગો પણ વિદ્યાર્થીઓ વગર સુમસામ નજરે પડ્યા હતા.

વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પરીક્ષા ચાલતી હોવાથી વિદ્યાર્થીઓ કોલેજમાં આવ્યા ન હતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી, આર્ટ્સ ફેકલ્ટી અને સાયન્સ ફેકલ્ટીમાં ત્રીજા વર્ષની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે 14 ફેકલ્ટીઓમાંથી 17 હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે. ત્યારે એક પણ વિદ્યાર્થી પ્રથમ દિવસે ન આવતા કેમ્પસમાં કર્ફ્યૂ જેવો માહોલ દેખાયો હતો અને કોલેજની અંદર ક્લાસરૂમમાં પાટલીઓ પણ ખાલી દેખાઇ હતી.