વડોદરા-

રાજયમાં આજથી સ્કૂલ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. હાલ ધોરણ 10 અને 12ના અને પીજીના કોલેજોમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને જ બોલાવવામાં આવ્યા છે. ત્યારે વડોદરાની બરોડા ઈંગ્લીશ મીડીયમ હાઈસ્કૂલ ખાતે રાજ્યપ્રધાને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. જોકે આજે પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. જેથી કહી શકાય કે કોરોનાના કારણે હજી પણ વાલીઓ તેમના બાળકોને શાળા કોલેજોમાં મોકલતાં ભય સેવી રહ્યા છે.

રાજ્યમાં કોરોના વાઇરસના પગલે લોકડાઉન અને ત્યારબાદ કેસમાં થતી વધઘટના કારણે છેલ્લાં 297 દિવસથી એટલે કે આશરે દશ મહિનાથી બંધ રહેલી સ્કૂલ કોલેજો આજથી શરૂ થઈ હતી. સ્કૂલોમાં ધોરણ 10-12ના જ વિદ્યાર્થીઓને બોલાવાયા છે. જ્યારે કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવ્યા છે. સ્કૂલોમાં રોજે રોજ શૈક્ષણિક કાર્ય થશે. જ્યારે કોલેજોમાં તારીખ પ્રમાણે અભ્યાસ કરાવવામાં આવશે. જો બધુ સમુસુતરું પાર ઉતર્યું તો ફેબ્રુઆરી માસથી સ્કૂલોમાં પણ ધોરણ 9 અને 11 તથા કોલેજોમાં અંતિમ સિવાયના વર્ષના વિદ્યાર્થીઓનો પણ અભ્યાસક્રમ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. હાલ આજથી વડોદરામાં સ્કૂલોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો હતો. વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં કેટલીક શાળાઓ ખાતે વિદ્યાર્થીઓનું ઉમળકા ભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.