આણંદ, તા.૮  

આણંદના વિદ્યાનગરમાં આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીની એન્યૂઅલ પરીક્ષાનો નિર્ણય આગામી બેથી ત્રણ દિવસમાં લેવામાં આવશે. તાજેતરમાં ગૃહ મંત્રાલયે બહાર પાડેલાં નોટિફિકેશનમાં યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાઓએ પરીક્ષા યોજવા માટેની મંજૂરી આપ્યાં બાદ હવે રાજ્ય સરકાર દ્વારા નિર્દેશો મુજબ આગામી ટૂંક સમયમાં વિદ્યાનગરની યુનિવર્સિટી દ્વારા સત્તાવાર કાર્યક્રમ જાહેર કરાશે.

આ વિશે સૂત્રોએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ગૃહ મંત્રાલય દ્વારા વાર્ષિક પરીક્ષા લેવા માટે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવશે અને ગાઇડલાઇન બહાર પાડવામાં આવશે એ મુજબ એસપી યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવા અંગનો નિર્ણય કરવામાં આવશે. સંભવિત આગામી બે-ત્રણ દિવસમાં આ નિર્ણય પર ચર્ચા કરીને તે જાહેર કરવામાં આવશે. ગત ૨૯મી જૂનથી એસપી યુનિવર્સિટીના નવ અનુસ્નાતક ડિપાર્ટમેન્ટની પરીક્ષા શરૂ કરવામાં આવી હતી. ત્રણ દિવસ સુધી સતત પરીક્ષા લેવાયાં બાદ કેન્દ્ર સરકારે અનલોક ટુની નવી ગાઇડલાઇન્સ બહાર પાડતાં કોવિડ ૧૯ના સંક્રમણને ધ્યાને લઈ તમામ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મુદ્દે અગાઉ એનએસયુઆઈ અને એબીવીપી દ્વારા પરીક્ષા લેવાં સામે વિરોધ કરવામાં આવ્યો હતો.