અમદાવાદ-

રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ દ્વારા ૨૦૦થી વધુ કોલેજાેનું ઓડિટ કરવામાં આવ્યું છે. આઇઆઇટી. આઇઆઇએમના નિષ્ણાંતો દ્વારા આ એકેડેમિક ઓડિટ કરવામાં આવ્યું છે. જેમાં આ કોલજાેમાં સુવિધાઓનો અભાવ જાેવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે પીએચડી માટે અપૂરતો સ્ટાફ તેમજ રિસર્ચ ઇમ્પ્રૂવમેન્ટની જરૂર સહિતની ખામીઓ સામે આવતા જીટીયુના સંચાલકો કોલેજાે સામે લાલઘુમ થયા છે. જાે કોલેજાે દ્વારા શિક્ષણનું ધોરણ સુધારવામાં નહિ આવે તો કોલેજની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવાની તૈયારી જીટીયુએ કરી લીધી છે.

આ અંગે જીટીયુના વાઇસ ચાન્સેલર પ્રો. નવીન શેઠે જણાવ્યું કે ૮૮ એન્જીનીયરીંગ અને ૫૦ ફાર્મસી તેમ જ એમબીએ કોલેજાેમાં ઓડિટ કરવામાં આવ્યું છે. હજુ ડિપ્લોમા કોલેજાેમાં ઓડિટ બાકી છે. કોલેજાેમાં જે ખામીઓ સામે આવી છે. તેમાં કોલેજાેમાં પીએચડી અધ્યાપકોની સંખ્યા ઓછી છે. જે રેશિયો નક્કી છે તે મુજબ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરની કેડર નથી. આ ઓડિટની પ્રક્રિયામાં એન્જીનિયરીંગ, ફાર્મસી અને એમબીએ એવી ત્રણ કોલેજાે પણ સામે આવી છે જેમણે ઓડિટમાં ભાગ લીધો નથી. આથી તેમને નોટિસ ફટકારવામાં આવી છે.