હૈદરાબાદ-

અત્રેની જવાહરલાલ નેહરુ ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ખાતે મંગળવારે સેંકડો વિદ્યાર્થીઓને શૂન્ય માર્ક્સ મળ્યા હતા. આ વિદ્યાર્થીઓના પેપર સારા ગયા હોવા છતાં એક્સટર્નલ એક્ઝામમાં  તેમના માર્ક્સ ઝીરો આવતા તેઓ ચોંકી ગયા હતા. 

ગયા સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જે વિદ્યાર્થીઓએ બીટેકની સેમેસ્ટર એક્ઝામ આપી હતી તેમના રીઝલ્ટ મંગળવારે જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, થોડી જ મિનિટોમાં યુનિવર્સિટી પર એવા ફોન કોલ્સનો ધોધ વહી ગયો હતો કે તેમના પેપરો સારા ગયા હોવા છતાં તેમને ઝીરો માર્ક્સ મળ્યા છે. યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, કંઈક ખોટું થયું લાગે છે અને યુનિવર્સિટીના અધિકારીઓએ આ બાબતે તુરંત તપાસના આદેશ આપી દીધા હતા. 

તેમણે કહ્યું હતું કે, સારું પેપર ગયું હોવા છતાં ઝીરો માર્ક્સ મળ્યા હોય એવા અનેક કોલ્સ મળ્યા પછી અમે તપાસ શરુ કરી છે અને અત્યાર સુધીમાં અમે એક તપાસનારને ઝડપી પાડ્યો છે, જેણે ખોટી રીતે પેપર્સ તપાસ્યા હતા. અમે આ કેસમાં વધારે તપાસ કરી રહ્યા છીએ એમ તેમણે જણાવ્યું હતું. અનેક વિદ્યાર્થી સંગઠનોએ પણ આ બાબતે ફરીયાદ નોંધાવી હોવાથી તપાસનો આદેશ આપી દેવાયો છે.