અમદાવાદ-

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૯ થી ૧૧ તેમજ ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો ૨૦ ટકાને બદલે ૩૦ ટકા કરવામાં આવ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે, કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ-૯થી ધોરણ-૧૨ના અભ્યાસક્રમમાં ૩૦% જેટલો ઘટાડો કરવામાં આવેલ છે. તેમજ પરીક્ષા પધ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે. જે મુજબ ધોરણ ૯, ૧૦, ૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને ૩૦% કરેલ છે. જે અગાઉ ૨૦% જેટલું હતું. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અગાઉની જેમ જ પ્રશ્નપત્રોમાં ૫૦% બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો અને ૫૦% વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ યથાવત રાખવામાં આવેલ છે. ધોરણ-૯ થી ૧૨માં પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવનાર છે. ઉકત ફેરફાર અન્વયે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ના મુખ્ય ૪૦ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર તથા નમૂનાના પ્રશ્નપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. જે તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે તમામ માધ્યમિક - ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મોકલી આપવામાં આવેલ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પણ ઉકત વિગતો મુકવામાં આવેલ છે. જેની સબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.