દિલ્હી-

કોરોનાના સંક્રમણ કાળમાં ૯૩ ટકા લોકોમાં ૫ મહિનામાં જ એન્ટીબોડી ખતમ થઈ ગઈ છે. માત્ર સાત ટકા લોકોમાં જ હવે તે બાકી રહી ગઈ છે. બનારસ હિંદુ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં આ ચોંકાવનારી વાત સામે આવી છે. આ સંશોધનને અમેરિકાની આંતરરાષ્ટ્રિય જનરલ સાયન્સમાં સ્થાન મળ્યું છે.દેશમાં કોરોનાની બીજી લહેરના કારણે સંક્રમણમાં ખુબ જ વધારો થયો છે. ત્યારે જીવ વિજ્ઞાન વિભાગના પ્રોફેસર જ્ઞાનેશ્વર ચૌબેની આગેવાનીમાં વૈજ્ઞાનિકોની ટીમે બનારસમાં લોકોનું પરીક્ષણ કર્યું હતું. તેમાં એ જાણકારી મળી છે કે, ગત વર્ષે સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે સીરો સર્વેમાં જે ૧૦૦ લોકોમાં ૪૦ ટકા સુધીની એન્ટીબોડી હતી તેમાંથી ૯૩ ટકા લોકોમાં પાંચ મહિના બાદ એટલે કે આ વર્ષે માર્ચ સુધીમાં ૪ ટકા જ લોકોમાં એન્ટિબોડી બાકી રહી હતી. માત્ર ૭ ટકા લોકો જ એવા મળ્યાં હતાં કે જેમનામાં હજી પણ એન્ટિબોડી બાકી છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે, જુન ૨૦૨૧ સુધી લોકોના શરીરમાં એન્ટિબોડી રહેશે અને કોરોનાની બીજી લહેર ઓગષ્ટ સુધીમાં આવી શકે છે. ત્યાં સુધી મોટા પાયે વેક્સીનેશનનું કામ પૂર્ણ થઈ જાત. પરંતુ આ અંદાજ ખોટો ઠર્યો હતો અને ઓગષ્ટ પહેલા જ કોરોનાની બીજી લહેરે આખા દેશમાં કહેર મચાવ્યો. વૈજ્ઞાનિકો એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે, કોરોનાની ઘાતક એવી બીજી લહેરમાં હર્ડ ઈમ્યુનિટી વિકસિત ના થઈ શકે. તેથી કોરોના સામે લડવામાં વેક્સિન જ એકમાત્ર કારગર હથિયાર છે. પ્રો, જ્ઞાનેશ્વરે જણાવ્યુ હતું કે, વૈજ્ઞાનિકોની ટીમ વેક્સીન લેનારાઓ પર રિસર્ચ કરી રહી છે. પ્રારંભિક પરિણામોમાં જાણવા મળ્યું છે કે, પહેલી લહેરમાં સંક્રમિત ના થનારાઓમાં વેક્સીન લગાવ્યા બાદ એંટીબોડી બનવામાં ચાર અઠવાડિયાનો સમય લાગી શકે છે. જ્યારે સંક્રમિત થઈ ચુકેલા લોકોમાં વેક્સીન લીધા બાદ એક અઠવાડિયાથી ૧૦ દિવસની અંદર એન્ટિબોડી વિકસીત થઈ ગઈ હતી. આમ થવા પાછળનું કારણ સંક્રમિત લોકોની ઈમ્યુનિટીમાં મેમોરી બી સેલનું વિકસીત થવું છે. આ સેલ નવા સંક્રમણને ઓળખી કાઢીને વ્યક્તિની પ્રતિરોધક ક્ષમતાને સક્રિય બનાવી દે છે. માટે જે લોકો ગત વખતે સંક્રમિત થયા હતાં તે બીજી લહેરમાં ઝડપથી સાજા થઈ જાય છે. પરંતુ જે પહેલી લહેરમાં કોરોનાનો શિકાર નહોતા બન્યા તેમનામાં મૃત્યુદર વધારે ઉંચો જાેવા મળી રહ્યો છે.