બોરીજ-

ગાંધીનગરના બોરીજ ગામની પ્રાથમિક શાળામાં નાયબ સીએમ નીતિન પટેલે હાજરી આપી હતી. નાયબ મુખ્યમંત્રીએ ‘મિશન ઇન્દ્ર ધનુષ કાર્યકમ’ માં હાજરી આપી હતી. ૫થી ૭ વર્ષના બાળકોને ઇન્દ્ર ધનુષ કાર્યક્રમ હેઠળ વિવિધ રોગો સામે રક્ષણની રસી મૂકવામાં આવી હતી. મમતા દિવસ નિમિત્તે બાળકો અને માતાને થતા ૧૦ જેટલાં રોગોને રોકવા રસીકરણ કરાય છે. જેમાં પોલિયો, કમળો, ઓરી, રુબેલા, ધનુર અને ઝેરી મેલેરિયા જેવાં રોગો સામે રસી આપવામાં આવે છે. રાજ્યમાં દર વર્ષે લગભગ ૧૨ લાખ બાળકોનો જન્મ થાય છે. જૈ પૈકી ૧ લાખ બાળકો સમયસર રસી લઈ શક્યાં નથી.

આ કાર્યક્રમ દરમ્યાન નીતિન પટેલએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘રાજ્યમાં દર વર્ષે લગભગ ૧૨ લાખ બાળકોનો જન્મ થાય છે. જન્મ આપનાર માતા અને બાળકોને જુદી-જુદી રસી આપવામાં આવે છે જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી થાય છે. રાજ્યના ૧૦ હજાર સેન્ટરો પર રસી આપવાનું કામ ચાલે છે.’ આ સાથે તેઓએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, ‘કર્મચારીઓ છેલ્લાં ૨ વર્ષથી પ્રજાલક્ષી કામ કરી રહ્યાં છે. કોરોના દરમ્યાન આરોગ્યના કર્મચારીઓ સતત કામ કરી રહ્યાં છે માટે હવે બુધવારે અને રવિવારે વેક્સિન બંધ રહેશે.’વધુમાં તેઓએ જણાવ્યું કે, ‘આરોગ્યના અધિકારીઓ દ્વારા ગામડામાં જઇને માતા અને બાળકોને રસી આપવામાં આવે છે. ૧૦ જેટલાં રોગોને રોકવા રસી આપવામાં આવે છે. જેમાં પોલિયો, કમળો, ઓરી, રુબેલા, ધનુર અને ઝેરી મેલેરિયા જેવી રસી આપવામાં આવે છે

લગભગ બધી માતા અને આશા વર્કર બહેનોને ખ્યાલ હોય છે કે સેન્ટરો પર વાલી અને બાળકોને રસી આપવામાં આવે છે. ૯૦ ટકા લોકો સેન્ટરો પર રસી લે છે. કેટલાંક પરિવાર ઓછા જાણકાર હોય છે તો કોઈ બહારથી આવ્યા હોય તેઓને આ યોજનાના લાભ વિશે ખ્યાલ નથી આવતો જેથી કેટલાંક બાળકો અને વાલીઓ રસીથી વંચિત રહી જાય છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, ‘રસીથી વંચિત બાળકોને સામેથી શોધીને રસી આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્રારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ૧૨ લાખ પૈકી ૧ લાખ લોકો સમયસર રસી લઈ શક્યા નથી. આવાં ૧ લાખ બાળકોને શોધીને તેઓને રસી આપવાનું અભિયાન શરૂ કરાયું છે. ખાનગી હોસ્પિટલમાં ૫૦૦થી ૨ હજારનો ખર્ચ થાય છે એ બધી રસીને ગુજરાત સરકાર મફત રસી આપે છે.