ગાંધીનગર, રાજ્યમાં કોરોના વાયરસના વધતા કહેરને રોકવા માટે રાત્રિ કર્ફ્‌યૂ અમલમાં છે. મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ પહેલી જાન્યુઆરીથી રાત્રિ કર્ફ્‌યૂનો સમય ૧૦થી ૬ સુધીનો કર્યો છે તો ૨૪ કલાકમાં નવા કેસની સંખ્યા પણ ૮૦૦ની નીચે નોંધાઈ છે. ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૭૧૫ નવા દર્દીઓ સાથે જ કોરોનાનો કુલ આંકડો પણ ૨૪૭૨૨૮ થયો છે. જ્યારે રાજ્યમાં દર્દીઓના સ્વસ્થ થવાનો દર પણ ૯૪.૫૧ ટકા થયો છે. ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ ૫૧૩૮૪ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેથી કુલ ટેસ્ટનો આંકડો પણ ૯૮૧૦૬૬૪ થયો છે.  

રાજ્યમાં ૭૧૫ નવા દર્દીઓ સામે ૯૩૮ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ ૨૩૩૬૬૦ એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે ૭૯૦.૫૨ ટેસ્ટ થાય છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫૦૪૫૫૧ વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી ૫૦૪૪૩૦ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને ૧૨૧ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ ૯૨૫૦ એક્ટિવ કેસ છે. જેમાંથી ૬૧ દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે ૮૧૮૯ની સ્થિતિ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે આ સ્થિતિમાં ગત ૨૪ કલાકમાં વધુ ૪ દુઃખદ મૃત્યુ નોંધાયા છે.