વડોદરા : કોરોનાની વધતી જતી મહામારીને લઈને રાજવી ગાયકવાડ પરિવાર હસ્તકના દેવસ્થાન ટ્રસ્ટ હસ્તક આવેલ તમામ મંદિરોને બંધ કરવામાં આવ્યા છે. આ દેવસ્થાન હસ્તકના પ્રમુખ મંદિરોમાં કારેલીબાગનું બહુચરાજી મંદિર, ખંડેરાવ મંદિર, દત્ત મંદિર, તારકેશ્વર મંદિર અને પંચમુખી હનુમાન મંદિર સહિતના ધર્મ સ્થાનોનો સમાવેશ થાય છે. આ તમામ દેવસ્થાનો અચોક્કસ મુદ્દતને માટે બંધ કરવામાં આવ્યા છે.

નવા જન્મેલા જાેડિયા બાળકો અને માતા -પિતા કોરોના પોઝિટિવ મળ્યા

શહેરની સયાજી હોસ્પિટલ ખાતે એક માતાએ જાેડિયા બાળકોને જન્મ આપ્યો હતો.જે બંનેના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓની સારવાર ચાલુ કરવામાં આવી છે. એમ જણાવી સયાજીના પિડીયાટ્રીક્સ ડિપાર્ટમેન્ટના ડો.ઐયરે જણાવ્યું હતું કે, આ બાળકોની માતા અને પિતા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. બાળકોની સ્થિતિ સ્ટેબલ હોવાનું જણાવી તેઓએ ઉમેર્યું હતું કે એમની સારવાર પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

પાણીગેટ મુસ્લિમ સમાજના યુવાનોને રોજ ૩૦ મૃતદેહો નિકાલ માટે મળે છે

વડોદરા શહેર પાણીગેટ મુસ્લિમ સમાજના યુવકો કોરોનાના મૃતકોને સ્મશાને લઇ જઈને અગ્નિદાહ આપવાનું પ્રશંશનીય કાર્ય કરે છે. આ યુવાનોના જણાવ્યા મુજબ વડોદરા પાલિકા દ્વારા રોજે તેઓને ૨૫થી ૩૦ જેટલા કોરોનાના મૃતકોની ડેડબોડી અંતિમ ક્રિયા કરીને નિકાલ કરવાને માટે આપવામાં આવે છે.જાે આ સત્ય છે તો તંત્ર મૃતકોના સાચા આંકડાઓ શા માટે છુપાવી રહ્યું છે.એવો પ્રશ્ન ઉપસ્થિત કરાઈ રહ્યો છે.

વડોદરા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૯૨ કેસ નોંધાયા ઃ સૌથી ઓછા રૂરલમાં ૫૧ કેસ

વડોદરાસ શહેર -ગ્રામ્યના દર્દીઓની સંખ્યાને લાગેવળગે છે ત્યાં સુધી પૂર્વ વિસ્તારમાં અત્યાર સુધીના ૪૩૯૨ કેસોમાં વધુ ૬૮ કેસ નોંધાતા સંખ્યા ૪૪૬૦એ પહોંચી છે.જ્યારે અત્યાર સુધીમાં ૪૪ના મોત નિપજ્યા છે. આજ પ્રમાણે પશ્ચિમમાં ૪૯૮૩ કેસોમાં વધુ ૯૨ ઉમેરાતા ૫૦૭૫ કેસ અને મોત ૪૫ થયા છે.ઉત્તરમાં ૫૭૬૨ કેસમાં વધુ ૮૫ નોંધાતા સંખ્યા ૫૮૪૭ એ પહોંચી છે.જયારે મોત ૫૬ થયા છે. જયારે દક્ષિણમાં ૫૩૯૬માં વધુ ૮૦ કેસ નોંધાતા ૫૪૭૬ કેસ થયા છે.જયારે મોત ૪૭ છે. વડોદરા રૂરલના ૮૨૧૧ કેસમાં ૫૧ ઉમેરાતા સંખ્યા ૮૨૬૨એ પહોંચી છે.જયારે ૬૦ના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં ૨૮૭૮૦ કેસમાં વધુ ૩૭૬ કેસનો ઉમેરો થતા ૨૯૧૫૬ કેસ નોંધાયા છે.જયારે મૃતાંક ૨૫૨એ પહોંચ્યો છે.

ધન્વંતરી આરોગ્ય રથ થકી ત્રણ હજાર જેટલા દર્દીઓને ચકાસાયા

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શરુ કરવામાં આવેલ ધન્વંતરી આરોગ્ય રથની ૩૪ ટીમો દ્વારા ૧૨૧૬ પુરુષો અને ૧૭૦૭ સ્ત્રીઓ મળીને કુલ ૨૯૨૩ના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી.જે પૈકી ૨૦ તાવના અને ૯૫ શરદી-ખાંસીના દર્દીઓ મળી આવ્યા હતા.જયારે અન્ય ૧૬૯૧ દર્દીઓ ધ્યાનમાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ૪,૯૪,૦૭૦ પુરુષો અને ૬,૧૩,૫૩૯ સ્ત્રીઓ મળીને કુલ ૧૧,૦૭,૬૦૯ દર્દીઓને તપાસવામાં આવ્યા છે. જેમાં તાવના ૫૨૪૭,શરદી-ખાંસીના ૧૮૭૧૫ અને અન્ય ૭,૯૪,૧૪૧ દર્દીઓ મળી આવ્યા હતા.જે પૈકી ૬૫૨ને રીફર કરાયા હતા.

તેજસ એક્સપ્રેસ ટ્રેનને એપ્રિલના અંત સુધી રદ કરવામાં આવી

કોરોનાના વધતા જતા કહેરને લઈને ઘટતી જતી મુસાફરોની સંખ્યા તેમજ ગુજરાત અને મહારાષ્ટ્રમાં દિવસે દિવસે વિકટ બનતી જતી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેનને આગામી તારીખ ૩૦મી એપ્રિલ સુધી રદ કરી દેવામાં આવી છે. જે ક્યારે પુનઃ શરુ કરાશે એ બાબતની જાહેરાત ૩૦ એપ્રિલની આસપાસ કરાશે. જેમાં એને રદ્દ કરવાનું લંબાવવું કે નહિ એનો ર્નિણય લેવાશે.