ગાંધીનગર-

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ માંડ માંડ કાબુમાં આવી છે. ત્યારે રાજ્યની ભાજપ સરકાર દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ અમદાવાદનાં દાણીલીમડા વોર્ડ ભાજપ મહિલા મોરચા દ્વારા મહિલાઓને ભાજપમાં જોડાવવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રદેશ પ્રમુખ ચંદ્રકાન્ત પાટિલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં જ કોરોનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું.

અમદાવાદના દાણીલીમડા વોર્ડ મહિલા મોરચા દ્વારા આજે દાણીલીમડા ખાતે મોટી સંખ્યામાં મહિલાઓને ભાજપમાં જોડવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. પ્રદેશ ભાજપ પ્રમુખ પાટિલની ઉપસ્થિતિમાં દાણીલીમડા વોર્ડની મહિલાઓ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી. જો કે આ કાર્યક્રમમાં સરકારની કોરોનાની માર્ગદર્શિકાના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલી મહિલાઓ દ્વારા જરા પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવ્યું ન હતું. એટલું જ નહીં આ કાર્યક્રમમાં કેટલીક મહિલાઓ દ્વારા માસ્ક પણ પહેરવામાં આવ્યાં ન હતાં.

રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારીને લઈને લગ્ન પ્રસંગ કે મરણ પ્રસંગમાં લોકો એકઠાં ન થાય તે માટે કોરોનાની માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં લગ્ન પ્રસંગમાં માત્ર 150 વ્યક્તિઓને હાજર રહેવા માટેની પરવાનગી અપાઈ છે જ્યારે મરણ પ્રસંગમાં માત્ર 40 વ્યક્તિને ઉપસ્થિત રહેવાની પરવાનગી અપાઈ છે. એટલું જ નહીં, સરકાર દ્વારા એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, લગ્ન અને મરણ પ્રસંગનો સામાજિક કાર્યક્રમોમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. આ સંજોગોમાં સામાન્ય નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે, કોરોનાની મહામારી વચ્ચે સામાન્ય જનતાને એકઠાં ઉપર નિયંત્રણો લાદવામાં આવ્યા છે, પરંતુ હાલમાં રાજકીય મેળાવડાઓ યોજવામાં આવી રહ્યા છે, એટલું જ નહીં, આવા રાજકીય મેળાવડાઓમાં કોરોનાની માર્ગદર્શિકાના ધજાગરા ઉડતા જોવા મળે છે. પરંતુ આવા કાર્યક્રમોને સરકાર અને પોલીસ ચૂપચાપ ચલાવી રહી છે.