અમદાવાદ, ગોતાના એસજી હબ પાસે ગેકાયદેસર કોલસેન્ટર ચલાવી લોકોને શેરબજારમાં રોકાણ કરવાથી ફાયદો મળશે તેવી રીતે મેસેજ કરી સ્ક્રીમ સમજાવીને પૈસા પડાવતા કોલ સેન્ટરને સાઈબર ક્રાઈની ટીમે ઝડપી લીધુ છે. કોલ સેન્ટર ચલાવનાર સહીત ૬ વ્યક્તિની સાઈબર ક્રાઈમે ધરપકડ કરી છે. તથા તેમની પાસેથી રૂ.૩.૪૦ લાખની રીકવરી પણ કરી છે. તથા આ કોલ સેન્ટરે કેટલાક લોકોને ઠગાઈ કરી કેટલા પૈસા પડાવ્યા તે અંગે વધુ પુછપરછ હાથધરી છે.

શહેરમાં નવરંગપુરામાં રહેતા જગદિશભાઈ પટેલ હાલ નિવૃત જીવન ગુજારે છે તેમનો દિકરો ઓસ્ટ્રેલીયા ખાતે રહે છે. થોડા સમય પહેલા જગદિશભાઈના ફોનમાં એક મેસેજ આવ્યો હતો જેમાં શેર ટ્રેડીંગને લગતી લોભામણી સ્કીમ જણાવી હતી અને તેમા ઈન્વેસ્ટ કરવા માટે એક નંબર આપ્યો હતો. જેથી જગદિશભાઈએ તે નંબર પર ફોન કર્યો ત્યારે ફોન ઉપાડનાર શખ્સે પોતાનું નામ ઉમંગ તીવારી દિલ્હીથી બોલતો હોવાનું જણાવ્યુ હતુ. બાદમાં જગદિશભાઈને શેર બજારમાં રોકાણ કરવાથી રોજના રૂ.૩૫ હજારનો ફાયદો થશે તેમ કહીને સ્કીમો પણ બતાવી હતી. જેથી જગદિશભાઈને તેમા રસ પડતા તેમણે રૂ.૩.૯૦ લાખનો રોકાણ કરાવડાવ્યુ હતુ. ત્યારબાદ જગદિશભાઈએ તે નંબર પર ફોન કર્યો ત્યારે ધર્મેશભાઈ નામના શખ્સે ફોન ઉપાડ્યો હતો અને જણાવ્યુ હતુ કે ઉમંગ તીવારીને કોરોના થયેલ હોવાથી વેન્ટીલેટર પર રાખ્યા છે હવે ફોન ન કરતા. ત્યારબાદ જગદિશભાઈએ તે નંબર પર ફોન કર્યા તો કોઈએ ફોન ઉપાડ્યો ન હતો. જેથી જગદિશભાઈએ પોતાની સાથે થયેલી ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે સાઈબર ક્રાઈમની ટીમ આ આરોપીઓને પકડવા માટે ટેકનીકલી પુરાવા મેળવી અભ્યાસ કર્યો હતો. જેમાં પોલીસની ટીમને જાણવા મળ્યુ હતુ કે, વિવેક પટેલ તથા કરણસિંહ જાહેજા નામના માણસો ભેગા મળી કોલરો રાખી ગોતા એસજી હબ પર એક દુકાન રાખીને ગેરકાયેદસર કોલ સેન્ટર ચલાવી દોઢેક વર્ષથી શેર ટ્રેડીંગમાં મોટો નફો કરાવી આપવાવની લાલચ આપીને લોકોના બેંક એકાઉન્ટોમાંથી નાણા જમા કરાવી છેતરપીંડી કરે છે. જેથી પોલીસે વોચ ગોઢવી તે દુકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં કરણસિંહ જાડેજા, વિવેક પટેલ, પ્રજ્ઞેશ ઠક્કર, ભૃગેશ પટેલ, ર્નિમલ પટેલ અને નિતીશ પરમાર ને ઝડપી લીધા હતા.

દોઢ વર્ષથી કોલ સેન્ટર ચાલી રહ્યુ હોવાનું જણાવ્યું

પકડાયેલા આરોપીને સાઈબર ક્રાઈમની ટીમે પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યુ હતુ કે વિવેક પટેલ આ કોલ સેન્ટરનો માલિક છે અને કરણસિંહ જાડેજા આ કોલ સેન્ટરમાં ગેરકાયદેસર ટ્રાન્જેકશનોના નાણા જમા કરાવવા માટે બેંક એકાઉન્ટની વ્યવસ્થા કરતો હતો. તથા છેલ્લા દોઢેક વર્ષથી આ કોલ સેન્ટરમાં ટ્રેડીંગના નામે છેતરપીંડી કરતાં હતા. જેથી સાઈબર ક્રાઈમની ટીમે કેટલા લોકો પાસેથી કેટલાક રૂપિયા પડાવ્યા તે અંગેની પુછપરછ હાથધરી છે.