વડોદરા : કોરોનાની મહામારીના સંક્રમણને અટકાવવા માટે છેલ્લા બે માસથી ૫૦ ટકા કર્મચારીઓ સાથે ચાલતી તમામ કચેરીઓ આજથી ફરી ૧૦૦ ટકા કર્મચારીઓ સાથે ધમધમતી થઈ હતી. જ્યારે લોકોની ભારે ભીડ જામતાં બે મહિનાથી બંધ કરવામાં આવેલા તમામ નાગરિક સુવિધા કેન્દ્રો આજથી કાર્યરત થતાં રેશનકાર્ડ, આધારકાર્ડ, આવકના દાખલા સહિત વિવિધ અટવાયેલી કામગીરી માટે નાગરિકોનો નર્મદા ભવન સ્થિત નાગરિક સુવિધા કેન્દ્રો પર ભારે ધસારો રહ્યો હતો. જાે કે, સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ હતી. તેમ છતાં કેન્દ્રો ઉપર પ્રથમ દિવસે લોકોની ભીડ જામતાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

કોરોનાની બીજી લહેર ઘાતક બનતાં સરકાર દ્વારા સંક્રમણને અટકાવવા માટે તમામ સરકારી-અર્ધસરકારી તેમજ કોર્પોરેશન સહિતની કચેરીઓમાં ૫૦ ટકા સ્ટાફ કરી દીધો હતો. પરંતુ જનસેવા કેન્દ્રો ઉપર થતા ધસારાને ધ્યાનમાં લઇને જનસેવા કેન્દ્રોની કામગીરી બે મહિનાથી સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી હતી. જાે કે, ઓનલાઈન કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. પરંતુ નાગરિકોના રેશનકાર્ડ, આધારકાર્ડ, આવકના દાખલા સહિતના વિવિધ કામો અટવાઇ ગયા હતા. કોરોનાનો કહેર ઓછો થતાં આજથી તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ ૧૦૦ ટકા હાજરી સાથે ધમધમી ઊઠી હતી.

જનસેવા કેન્દ્રો પણ શરૂ થતાં નર્મદા ભવન ખાતે આવેલા જનસેવા કેન્દ્ર ઉપર પ્રથમ દિવસે જ લોકોનો ભારે ધસારો રહ્યો હતો. જાે કે, તંત્ર દ્વારા અરજદારો માટે સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આવકના દાખલા અને જ્ઞાતિના દાખવા કઢાવવા માટે લોકોએ ભારે ધસારો કર્યો હતો. જ્યારે ભીડના કારણે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. બે માસ બાદ સરકારી-અર્ધસરકારી કચેરીઓ સો ટકા સ્ટાફ સાથે કાર્યરત થતાં ઓફિસોમાં વિવિધ કામો માટે આવતા નાગરિકોની ચહલ-પહલ શરૂ થઇ ગઇ હતી. સરકારી અને અર્ધસરકારી ઓફિસો ધમધમી ઊઠી હતી.

જનસેવા કેન્દ્ર ખાતે ૮૮૪ અરજીઓ સ્વીકારાઈ

કોરોનાનું સંક્રમણ વધતાં બે મહિના શહેર-જિલ્લાના તમામ જનસુવિઘા કેન્દ્રો પર અરજદારોની થતી ભીડને અટકાવવા માટે બંધ કરવામાં આવ્યા હતા. જાે કે, ઓનલાઈન અરજીઓ સ્વીકારીને તમામ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. હવે કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થતાં રાજ્ય સરકારે તમામ સરકારી કચેરીઓ આજથી ૧૦૦ ટકા સ્ટાફ સાથે શરૂ કરવાની મંજૂરી આપતાં જનસેવા કેન્દ્રો પણ શરૂ કરાયા હતા. બે મહિના બાદ શરૂ થયેલા જનસેવા કેન્દ્રો પર આજે પ્રથમ દિવસે જ લોકોની ભારે ભીડ જાેવા મળી હતી, જેમાં આજે પ્રથમ દિવસે ૮૮૪ જેટલી અરજીઓ સ્વીકારવામાં આવી હોવાનું જાણવા મળે છે.