મુંબઈ-

ભારત અને મહેમાન ઈંગ્લેન્ડ વચ્ચેની આગામી બીજી ટેસ્ટમેચ દરમિયાન પચાસ ટકા દર્શકોને પેવેલિયનમાં આવવા દેવાની ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા તામિલનાડુ ક્રિકેટ એસોસિએશનને મંજૂરી આપી દેવામાં આવી છે. ફેબ્રુઆરીની 13મી થી 17મી દરમિયાન આ મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાવાની છે. 

બંને દેશો વચ્ચેની પહેલી ટેસ્ટ તો પ્રેક્ષકોની ગેરહાજરીમાં જ રમાશે છતાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોને ચિઅર-અપ કરવા માટે બીજી ટેસ્ટથી દર્શકો હાજર હશે એવી આશા સેવાય છે. ટીએનસીઆઈના સચિવ આરએસ રામસેએ કહ્યું હતું કે, અમને આ બાબતે લીલી ઝંડી આપી દેવાઈ છે, છતાં તેની સત્તાવાર જાણ કરાઈ નથી. 

ખેલ મંત્રાલય દ્વારા આઉટડોર માટે પૂરી ક્ષમતાના દર્શકો હાજર રહી શકે એવી તેમજ રાજ્ય સરકાર દ્વારા ક્રિકેટ સ્ટેડિયમમાં માત્ર અડધી ક્ષમતાના દર્શકોને આવવા દેવાની ગાઈડલાઈનને પગલે હવે બીજી ટેસ્ટમાં દર્શકોને આવવા દેવાનો માર્ગ મોકળો થયો છે. જો કે, આ પહેલાં એવી જાહેરાત થઈ હતી કે, પહેલી બે ટેસ્ટમાં દર્શકોને આવવા નહીં દેવાય. ગત વર્ષે આઈ, જે અને કે પેવેલિયન સ્ટેન્ડ પણ તૈયાર થઈ ગયા બાદ હવે આ સ્ટેડિયમમાં 38,000 ક્રિકેટ ફેન્સને બેસાડી શકાય છે.