નડિયાદ : તાજેતરમાં નડિયાદ નગરપાલિકામાં પાલિકાના જ સત્તાધારી પક્ષના પ્રમુખપતિ અને ચીફ ઓફિસર દ્વારા ટેક્સચોરી કૌભાંડનો ભાંડાફોડ કરવામાં આવ્યો છે. નડિયાદ નગરપાલિકા અંતર્ગતના અનેક એકમો દ્વારા પાલિકાના ટેક્સ વિભાગના કર્મચારીઓ સાથે સાઠગાંઠ કરી બાકી પડતાં જૂનાં ટેક્સ ડિલીટ કરાયાં હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ એકમો કયા છે અને કયા કર્મચારીઓ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે તેનો હજુ કોઈ ખુલાસો થયો નથી. જાેકે, હાલ પાલિકામાંથી સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર અત્યાર સુધી શહેરના કુલ ૧૨ જેટલાં એકમો દ્વારા ટેક્સ કર્મચારીઓનો સંપર્ક કરી આ કૌભાંડને અંજામ આપ્યાંની વિગતો સામે આવી છે. 

આ સમગ્ર બાબતે ખુદ સત્તાધારી પક્ષના આગેવાનો જ કાર્યવાહી કરવા માટે ઊતાવળા થયાં છે. આ ઘટના સંદર્ભે બે દિવસથી નગરપાલિકામાં ભારે હિલચાલ ચાલી રહી છે. પાલિકાના પ્રમુખપતિ સંજયભાઈ પટેલ અને ચીફ ઓફિસર પ્રણવભાઈ પારેખ વચ્ચે મેરેથોન બેઠકો ચાલી રહી છે. આ ઉપરાંત ટેક્સ સુપરિટેન્ડેન્ટ મયંકભાઈ દેસાઈની આગેવાનીમાં મહેસાણાની બ્લ્યૂ મેપ એજન્સી દ્વારા હાલ ડિલીટ કરાયેલાં ટેક્સની રિકવરી માટેની કામગીરી ચાલી રહી છે. આ માટે જરૂર પડતાં તેઓ ઓફિસ સમય પૂરો થયાં બાદ પણ પાલિકામાં હાજર રહી ઘટનામાં સંડોવાયેલાં લોકોની તપાસ માટે પ્રયત્ન કરી રહ્યાં છે. બ્લ્યૂ મેપ એજન્સીના કર્મચારીઓ આ માટે નડિયાદ પાલિકાના ટેક્સ વિભાગમાં અડિંગો જમાવીને બેઠાં છે. વળી, નડિયાદ નગરપાલિકા અંતર્ગતના ૭૦,૦૦૦ જેટલી મિલકતોમાંથી ૭૦ ટકા ટેક્સ ભરનારાં એકમોમાંથી હજુ સુધી ફક્ત ૧૨ જ એકમોની ગોલમાલ સામે આવી છે. આ એકમો દ્વારા ૧ લાખ રૂપિયાથી વધુ ટેક્સ ચોરી કરવામાં આવી હોવાનું પાલિકા સૂત્રોએ જણાવ્યું છે. જાેકે, આ બાબતે હજુ સુધી કોઈ પણ એકમો કે મિલકત માલિકોના નામ જાહેર થયાં નથી, જેથી પાલિકામાં અંદરખાને શું રંધાઈ રહ્યું છે, તે પણ ચર્ચાનો વિષય છે.

આ વચ્ચે નટપુરના નાગરિકોમાં ચાલતાં ગણગણાટ મુજબ, જાે ઊંડાણપૂર્વક તપાસ થાય તો ખુદ્દ સત્તાધારી પક્ષના આગેવાનોના પણ નામ ખુલે તેવી શક્યતાઓ છે.

હાં, પોલીસમાં ફરિયાદ કરી છે, તપાસ ચાલી રહી છે : ટેક્સ સુપરિન્ટેન્ડન્ટ

આ ઘટના સંદર્ભે પાલિકાના ટેક્સ સુપરિન્ટેન્ડન્ટ મંયકભાઈ દેસાઈનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, આ સમગ્ર બાબતે નડિયાદ નગરપાલિકાના પ્રમુખના ધ્યાને આ મુદ્દો આવતાં તેમણે ચીફ ઓફિસરને પત્ર લખ્યો હતો. આ ખાતાની જવાબદારી મારી હોવાથી ચીફ ઓફિસર દ્વારા આ મુદ્દે માું ધ્યાન દોરવામાં આવ્યું છે. મેં નડિયાદ ટાઉન પોલીસ મથકે આ મુદ્દે ફરિયાદ નોંધાવી છે, જેમાં તપાસ ચાલી રહી છે. બીજી તરફ સોફ્ટવેર એન્જિનિયરની ટીમને બોલાવી લેવાઈ છે. જેમણે તપાસ શરૂ કરી છે. આ માટે તેમણે સર્વર બંધ કર્યુ છે.

આ કેવું? ચીફ ઓફિસર અને ટેક્સ સુપરિન્ટેન્ડન્ટના વિરોધાભાસી નિવેદનો!

આ સમગ્ર બાબત વચ્ચે જ્યારે આજે નડિયાદ પાલિકાના ટેક્સ સુપરિન્ટેન્ડન્ટ મયંકભાઈ દેસાઈનો સંપર્ક કરાયો ત્યારે તેમણે કહ્યું હતુ કે, આ સમગ્ર બાબતની નિષ્પક્ષ તપાસ માટે ટેક્સ વિભાગના ૨ કર્મચારીઓની પાલિકામાં જ અન્ય વિભાગોમાં બદલી કરી નાખવામાં આવી છે. બીજી તરફ આ બાબતે ચીફ ઓફિસરના જણાવ્યાં મુજબ, ટેક્સ વિભાગના તમામ કર્મચારીઓની હાલ અન્ય વિભાગમાં બદલી કરાઈ હોવાનું જાણવા મળ્યંુ છે.

તો શું સફાઈ કર્મીઓના નાણાંમાં ઉચાપત કરનારી એજન્સી સામે પણ કાર્યવાહી થશે?

ટેક્સચોરીનું રેકેટ બહાર આવતાંની સાથે જ પાલિકાના પ્રમુખપતિથી માંડી પાલિકાના અન્ય સત્તાધારી હોદ્દેદારો દ્વારા આ મુદ્દે કાર્યવાહી કરવા માટે ઊહાપોહ મચાવી દીધો છે. ત્યારે આ અગાઉ નડિયાદ નગરપાલિકામાં જ પાલિકાના પટ્ટાંગણની સફાઈ માટે રાખવામાં આવેલાં ૬ સફાઈ કર્મીઓના પગારમાં ગોલમાલ કર્યાનો ખુલાસો થયો હતો. આ મુદ્દો સામાન્ય નાગરિકો સાથે જાેેડાયેલો છે. આ ૬ સફાઈ કર્મીઓના હક્કના નાણાં એજન્સી દ્વારા ચાઉં કરી દેવાયાંનો આક્ષેપ થયો છે, ત્યારે પાલિકાના પ્રમુખપતિ અને અન્ય સત્તાધારી હોદ્દેદારો ટેક્સના કૌભાંડમાં રસ દાખવી કાર્યવાહી માટે બૂમો પાડી રહ્યાં છે. તેઓ આ મુદ્દે પણ કાર્યવાહી કરવા માટે પત્ર લખશે કે પછી સામાન્ય નાગરિકો સાથે જાેડાયેલાં મુદ્દાને દબાવી દેવાશે, તે જાેવું રહ્યું. આ બાબતે પાલિકાના પ્રમુખપતિ સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, જે કોઈપણ શોષણનો ભોગ બન્યંુ છે તે રજૂઆત કરશે તો નિરાકરણ લાવીશંુ.