વડોદરા,

સયાજી હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગનો એફએસએલ રિપોર્ટ ચાર મહિનામાં આવી ગયો પરંતુ વડોદરાના સિનિયર સિટિઝન પાવાગઢ જવા નીકળ્યા હતા ત્યારે તેઓનો મૃતદેહ મળ્યો અને તેમના પુત્રને એક મહિના પછી જાણ થઈ એ બાદ હાલોલ પોલીસે મૃત્યુ પામનાર સિનિયર સિટિઝન અને પુત્ર વચ્ચે ખરેખર સંબંધ છે કે કેમ તેની જાણકારી માટે ડીએનએ રિપોર્ટ કરવા સુરત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો, તેને ૧૪ મહિનાનો સમય વીતી ગયો છતાં આજદિન સુધી ડીએનએ રિપોર્ટ નહીં આવતાં ખરેખર મરનાર પુત્રના પિતા છે કે કેમ તેની આજદિન સુધી જાણકારી આપી નથી અને તેને કારણે ડેથ સર્ટિફિકેટ પણ પરિવારજનોને મળતું નથી.

કિશનવાડીમાં આવેલા કંકુબા સ્લમ ક્વાર્ટર્સમાં રહેતા ગણેશભાઈ જ્યોતિબા ભંડારે તા. ૭ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ ઘરેથી પાવાગઢ જવા નીકળ્યા હતા અને ત્રણ-ચાર દિવસનો સમય થયો છતાં ઘરે પરત નહીં આવતાં તેમના પુત્ર રમેશભાઈ ગણેશભાઈ ભંડારેએ વારસિયા પોલીસ સ્ટેશન અને પાવાગઢ ચાંપાનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે મારા પિતા ગણેશભાઈ હજુ સુધી ઘરે પરત આવ્યા નથી તે ફરિયાદ બાદ નવેમ્બર મહિનામાં તેમના પુત્રને હાલોલ પોલીસમાંથી ફોટો મોકલી જાણકારી આપી હતી કે આ તમારા પિતા છે કે કેમ તેની જાણકારી લેવા તેઓ હાલોલ પોલીસ ખાતે ગયા હતા ત્યારે જણાવવામાં આવ્યું કે તેઓનું તા.૧૧ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ મૃત્યુ થયું છે અને તેઓનો ડીએનએ રિપોર્ટ કરાવવો પડશે. મૃત્યુ પામેલા ગણેશભાઈ ભંડારેનો ડીએનએ રિપોર્ટ કઢાવવા માટે પિતાના મૃતદેહના દાંત અને હાડકું તેમજ પુત્રના લોહીનો નમૂનો સુરતની ડીએનએ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલાના પુત્ર અને તેમના પરિવારજનોએ ફોટા ઉપરથી તેમના પિતા હોવાનું પોલીસને જણાવ્યું હતું અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટની માગણી કરી હતી જેથી તેઓનું ડેથ સર્ટિફિકેટ મળી શકે, પરંતુ હાલોલ પોલીસે તેઓને ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ જ પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ મળશે અને ત્યાર બાદ જ તમે ડેટ સર્ટિફિકેટ મેળવી શકશો.છેલ્લા ૧૪ મહિના દરમિયાન પુત્ર રમેશભાઈ ભંડારેએ હાલોલ પોલીસનો અવાર-નવાર સંપર્ક કર્યો હતો.