વડોદરા : શહેરના વડસર બ્રિજ પાસે મોડી રાત્રે પાલિકાના સફાઈ મશીનની ટ્રક પાછળ ધડાકાભેર ટુ વ્હીલર એક્ટિવા સાથે અકસ્માત થતાં આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હતું. માંજલપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સફાઈ મશીન ટ્રક જપ્ત કરી હતી.

અકસ્માત મોતના બનાવની વિગત એવી છે કે જીઆઈડીસી વડસર રોડ પર આવેલ બી/૩૩ આશ્રય ટેનામેન્ટમાં રહેતો અને મકરપુરા જીઆઈડીસીમાં માલિકીની કંપની ધરાવતા અંકિત પ્રકાશભાઈ પંચાલ (ઉં.વ.ર૬) ગત મોડી રાત્રે પોણા બાર વાગ્યાની આસપાસ ટુ વ્હીલર એક્ટિવા લઈને વડસર બ્રિજ પરથી ઘર તરફ જઈ રહ્યો હતો, તે વખતે વડસર બ્રિજ પાસે પાલિકાના ઓટોમેટિક સ્વીપર મશીન ટ્રક દ્વારા સફાઈ કરવામાં આવી રહી હતી તે વખતે અંકિત પંચાલ સફાઈ મશીન ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગયો હતો. જેમાં તેને ગંભીર ઈજાઓ થતાં મશીનના ટ્રકચાલક વિનોદ સોમાભાઈ ચૌહાણ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યો હતો. આ બનાવને પગલે લોકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ પહેલાં માંજલપુર પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસે સ્થળ પરથી પાલિકાનું સ્વીપર મશીન કબજે લીધું હતું. બીજી બાજુ પોલીસે પાલિકાના વાહનચાલક સામે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ ખસેડયો હતો.