વડોદરા,તા.૧૪  

વડોદરા મહાનગરપાલિકાના વહીવટી તંત્રને અસરકારક અને ઉત્તરદાયી બનાવવાના પ્રજા લક્ષી ધ્યેયને મૂર્તિમંત્ર સ્વરૂપ આપવા શહેરની પ્રજાને સ્થાનિક વોર્ડ કચેરીમાંથી તમામ નાગરિકલક્ષી સુવિધાઓ પુરી પાડવાના ઉમદા ઉદેશ/હેતુથી આકારણી શાખાની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવેલ છે. આ વિકેન્દ્રીકરણ થકી વડોદરા શહેરના અંદાજે ૧૭૬.૬૦ ચો.કિ.મી. ક્ષેત્રફળમાં આવેલી અંદાજિત ૭ લાખ રહેણાંક તથા બીન રહેણાંક મિલ્કત ધારકોને સીધો લાભ થશે. વિવિધ નાગરિકલક્ષી યોજના/સેવાઓનો લાભ નગરજનોને સ્થાનીક કક્ષાએ આવેલ કચેરીમાંથી સહેલાઇથી એક જ જગ્યાએ પ્રાપ્ત થાય તે હેતુથી વડોદરા શહેરના કરદાતાઓને પોતાની મિલકત લગત નાગરિકોની નવીન મિલ્કતનું બાંધકામ થવાથી હયાત મિલ્કતના બાંધકામમાં સુધારા-વધારા વાપર ઉપયોગમાં ફેરફાર કે ભોગવટામાં ફેરફાર થાય તો તે સહિત નવીન મિલ્કતની આકારણી માટે શહેરની મધ્યમાં ખંડેરાવ માર્કેટ કચેરી ખાતે ન આવવુ પડે અને પોતાના વિસ્તારના નજીકના જે તે વહીવટી વોર્ડ કચેરીમાં કરવાની રહેશે અને આકારણી સામે વાંધા અરજીઓનો નિકાલ પણ વોર્ડ કક્ષાએ થશે, જેથી નાગરિકોને સમય બચશે અને સ્થાનિક કક્ષાએ જ આકારણી લગત સેવા અને આકારણી સામે વાંધા અરજીઓની ઉપલબ્ધ રહેશે. આમ મિલ્કતની આકારણી અને તે લગત વેરાના બિલ બંન્ને કામગીરી એક જ જગ્યાએથી થશે.

જેથી વડોદરા શહેરના નાગરિકોની રજૂઆતોનો ઝડપી અમલીકરણ થાય તે હેતુથી આકારણી શાખાની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરી જે તે વોર્ડ કક્ષાએ મિલ્કતોની આકારણી,તે લગત વાંધા અરજીઓના નિકાલ વગેરે કામગીરી કરવામાં આવશે.

આકારણીનું વિકેન્દ્રીકરણ થતા પાલિકાને વર્ષે ૧૦૦ કરોડથી વધુ આવક થશે

વડોદરા મહાનગર પાલિકા દ્વારા આકારણી શાખાનું વિકેન્દ્રીકરણ કરતા પાલિકાને વર્ષે દહાડે અંદાજે રૂપિયા ૧૦૦ કરોડની આવક વધશે એવો પ્રાથમિક અંદાજ છે. આટલી મોટી આવક વધતા પાલિકા દ્વારા શહેરના વધુને વધુ વિકાસ કર્યો કરી શકાશે એવી આશા રખાઈ રહી છે.અલબત્ત લાંબા સમયની પરેડ પછીથી આખરે પાલિકાની આકારણી શાખાનું વિકેન્દ્રીકરણ કરતા તંત્રને નોંધપાત્ર આર્થિક ફાયદો થશે એવી આશા રખાઈ રહી છે.

તમામ વોર્ડ કચેરીઓમાં ૫ુરતો સ્ટાફ ફરજ બજાવશે

આકારણી શાખાનું વિકેન્દ્રીકરણ થતા ૪ એપેલેટ ઓફીસર, ૯ આકારણી અમલદાર, ૯ હેડ કલાર્ક, ૧૧ જુ.કલાર્ક અને ૨૦ પટાવાળાનો સ્ટાફ વોર્ડ કચેરીઓમાં કાર્યરત થશે અને હવેથી આકારણીની કામગીરી માટે જેતે ઝોનના આસી.મ્યુનિ.કમિશનર ના નિયંત્રણ હેઠળ વોર્ડ ઓફીસર, રેવન્યુ ઓફીસર, હેડ કલાર્ક, રીકવરી કલાર્ક એસેસમેન્ટ અને વેરાની રીકવરી બંન્ને કામગીરી સંભાળશે.જેથી હવે સને ૨૦૨૦-૨૧ ના વર્ષની આકારણી સામે આવેલ વાંધા અરજીઓનો નિકાલ જે તે વોર્ડ કચેરીએથી થશે.