વડોદરા, તા. ૫

વડોદરાની રણજી ટીમના પૂર્વ ખેલાડી અને મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠેના ભેજાબાજ પુત્ર સામે માંજલપુર પોલીસ મથકમાં રૂપિયા ૨૯.૭૫ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદને આધારે માંજલપુર પોલીસે ઋષિ આરોઠે આણી મંડળી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપે તુષાર આરોઠેના ઘરેથી રોકડા રૂપિયા ૧.૩૯ કરોડ જપ્ત કર્યા હતા. આ મામલામાં ઋષિ આરોઠેનું નિવેદન લેવા માટે પોલીસ ધમપછાડા કરી રહી છે. તેવા સંજાેગોમાં માંજલપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ ઋષિ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી પ્રમુખ પ્રસાદ ચોકડી પાસેના ડ્રીમ લેન્ડ કોમ્પલેક્ષમાં રહેતા અને માર્કેટિંગ એન્ડ માર્કેટિંગ એન્ટરપ્રાઈઝ નામની કંપની ચલાવતા ગૌરવ પ્રમોદ નાડકરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ ૨૦૧૯માં મારી કંપનીની ઓફિસ વિશ્વામિત્રી ફાટક પાસે આવેલા મેપલ મુદ્રામાં હતી. અમારી કંપનીનું મુખ્ય કામ માર્કેટિંગનું હતુ. વર્ષ ૨૦૧૯માં મારી ઓળખાણ ઋષિ આરોઠે સાથે થઈ હતી. એણે મને જણાવ્યુ હતુ કે, સાઉથ ગોવામાં મેં ૧.૧૦ લાખ સ્કવેર ફૂટ જમીન ખરીદી છે. જેમાં દસ હજાર ફૂટનો બંગલો બનાવવાનો છે અને એકલાખ ફૂટ ખુલ્લી જગ્યામાં રેસ્ટોરન્ટ, બાર એન્ડ કાફે તથા કસીનોનું બાંધકામ કરવાનું છે અને એનુ નામ આપવાનું છે...ધ રશ..આ પ્રોજેક્ટનું માર્કેટિંગ તારે કરવાનું છે. તારે મારા આ પ્રોજેક્ટના તમામ લાઈઝનિંગના કામો પણ કરવાના રહેશે. આ પ્રોજેક્ટમાં સમા-સાવલી રોડ પર રહેતી રૂતિકા પરમાર ડિરેક્ટર રહેશે. ત્યારપછી ઋષિએ મારી ઓળખાણ રૂતિકા પરમાર સાથે કરાવી હતી. થોડા દિવસ પછી ઋષિએ મને અલકાપુરીના એક કાફેમાં મિટિંગ માટે બોલાવ્યો હતો. જ્યાં બંનેએ મને પ્રોજેક્ટ વિષે સમજાવ્યો હતો અને એનું અંદાજીત બજેટ પાંચથી દસ કરોડ હોવાનંુ જણાવ્યું હતું.

ગોવાના પ્રોજેક્ટ માટે મેં બે કોન્ટ્રાક્ટરોને રૂતિકા અને ઋષિને મળ્યા હતા. ઉપરાંત, સુધીર પાત્રા નામના એક શેફ સાથે પણ મુલાકાત કરાવી હતી. ત્યારપછી ઋષિએ મને ઈન્વેસ્ટર તરીકે રોકાણ કરવાનું જણાવ્યુ હતુ. મેં એના પ્રોજેક્ટમાં રૂપિયા ૧.૩૫ લાખ શરૂઆતમાં ઈન્વેસ્ટ કર્યા હતા. ત્યારપછી ઋષિ અને રૂતિકા બેંગલોર અને મુંબઈ જવાના બહાને નીકળી ગયા હતા. થોડા દિવસ પછી પાછો ઋષિનો ફોન આવ્યો હતો અને એણે મને જણાવ્યુ હતુ કે, તાંદલજા વિસ્તારમાં રહેતા ઈરફાન ફઝલભાઈ જમાદારને તારી કંપનીના નામના ચેક આપી દેજે. એટલે મેં મારા માણસના મારફતે મારી કંપનીના લાખો રૂપિયા ૧૬,૪૦,૦૦૦ની રકમ સાથેના ૬ ચેકો આપ્યા હતા. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયા રહેતા વિકાસ શેટ્ટીએ મારા કહેવાથી ઋષિને બે લાખ રૂપિયા અને શેફ સુધીર પાત્રાએ રૂપિયા ત્રણ લાખ ઋષિ આરોઠેને ગોવાના પ્રોજેક્ટમાં ઈન્વેસ્ટમેન્ટ માટે આપ્યા હતા.

ત્યારપછી ઋષિ આરોઠે મને પૈસા પરત આપતો ન હતો. હું ઉઘરાણી કરું તો ગલ્લાંતલ્લાં કરતો હતો. જેથી હું એના પિતા તુષાર આરોઠેને મળ્યો હતો. પણ એમણે મને કહ્યુ હતુ કે, ઋષિ આવા બધા ધંધા કરે છે એટલે મેં એની સાથે સંબંધો કાપી નાંખ્યા છે. જાેકે, પાછળથી મને માલુમ પડ્યુ હતુ કે, તુષાર આરોઠે અને તેમના પત્ની પુત્ર ઋષિને સપોર્ટ કરે છે. એટલે મેં ઋષિની મિત્ર રૂતિકા પરમારના ઘરે ગયો હતો. એણે પણ મને ધાકધમકી આપીને રવાના કરી દીધો હતો. આમ, ઋષિ આરોઠે આણી મંડળીએ મારી રૂપિયા ૭ લાખ, પ્રોજેક્ટમાં ઈન્વેસ્ટમેન્ટના નામે ૨૪.૭૫ લાખ રૂપિયા અને મારા થકી બીજા લોકોના ૫ લાખ મળી કુલ રૂપિયા ૨૯.૭૫ લાખની છેતરપિંડી આચરી છે. ગૌરવ નાડકરની ફરિયાદને આધારે માંજલપુર પોલીસે ઋષિ આરોઠે, રૂતિકા પરમાર, નવરોહીસીંગ અને શ્રીનુ ઝા સહિતના આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

રિશી આરોઠેની ગર્લ ફ્રેન્ડે કરોડોનો માનહાનિનો દાવો કરવાની ધમકી આપી હતી

રિશી આરોઠેએ ગૌરવભાઇનો ફોન રીસીવ કરવાનું બંધ કરી દેતા ગૌરવભાઇ તેની ગર્લફ્રેન્ડ રૂતિકા પરમારના ઘરે ગયા હતો અને તેને રૂપિયા પરત આપવા માટે વિનંતી કરી હતી. આ સમયે રૂતિકાએ ગૌરવભાઇને જણાવ્યું કે, મારા ઘરે આવ્યા એ બહુ મોટી ભૂલ કરી છે. હું તમારા માટે રૂપિયાનો બંદોબસ્ત કરતી હતી. મને ખબર છે કે રિશીએ તમારી સાથે ખોટુ કર્યુ છે, જેમા હું પણ તેની સાથે ગોવા હતી. તમે મારા ઘરે આવ્યા એટલે હું તમને પૈસા નહીં કરી આપું. તમે મને અને રિશીને બદનામ કરવા માગો છો, જેથી હું પણ કરોડોનો માનહાનિનો દાવો કરી નાખીશ, એવી ધમકીઓ આપીને તેમના ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા.

નાસિકથી પૈસા મોકલનાર આંગડિયા પેઢીના સંચાલકની આજે પૂછપરછ કરાશે

પોલીસે રોકડ આપનાર અલકાપુરી આંગડિયા પેઢીના સંચાલકોની પૂછપરછ કરી હતી અને રોકડ ક્યાંથી અને કઈ વ્યકિતએ મોકલાવી છે તેની માહિતી મેળવી આંગડિયા પેઢીના રજિસ્ટરના ઉતારા તેમજ સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. આ ઉપરાંત નાસિકથી પૈસા મોકલનાર નાસિકના આંગડિયા પેઢીના સંચાલકોને પણ એસઓજીમાં હાજર થવા માટે સુચના આપતા આજ રોજ નાસિકના આગંડિયા પેઢીના સંચાલકો આજ રોજ વડોદરા ખાતે આવશે ત્યારે એસઓજી પોલીસ દ્વારા તેમની પુછપરછ કરવામાં આવશે.

પૈસા લેવા ગયેલો તુષાર અરોઠે સીસીટીવીમાં દેખાયો

તુષાર આરોઠેને આ રોકડ નાસિકમાં રહેતા તેના પુત્ર ઋષિએ નાસિકની જ એક આંગડિયા પેઢી મારફત મોકલ્યા હતા તે નાણાં રિસીવ કરવા માટે તુષાર આરોઠે વડોદરાની આંગડીયા પેઢીમાં ગયો હતો તે સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતાં. પ્રતાપગંજ વિસ્તારના જે-૧ એપાર્ટમેન્ટમાં રહેતા પુર્વ રણજી ખેલાડી અને ભારતીય મહિલા ટીમના પુર્વ કોચ તુષાર ભાલચંદ્ર આરોઠેના ઘરે જંગી રોકડ આવ્યાની જાણ થતાં એસઓજીની ટીમે તેને ઘરે દરોડો પાડ્યો હતો. તુષારના ઘરમાંથી બેગમાં ભરેલા રોકડા ૧.૦૧ કરોડ મળતા પોલીસે આ નાણાંના વ્યવહારોની પુછપરછ કરી હતી જેમાં તુષારે જણાવ્યું હતું કે નાસિકમાં રહેતા તેના પુત્ર ઋષિએ કુલ ૧.૩૯ કરોડ અલકાપુરીના પી.એમ.આંગડિયા પેઢી મારફત અત્રે મોકલ્યા હતા જે રીસીવ કરવા ગયેલા તુષાર આરોઠેના સીસીટીવી ફૂટેજ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.