વડોદરા, તા.૧૪ 

કરજણ-શિનોર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસે કિરીટસિંહ જાડેજાને ટિકિટ ફાળવતાં કરજણ કોંગ્રેસમાં ભડકો થયો છે અને આજે કરજણના કોંગી આગેવાનોએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને ઉગ્ર રોષ સાથે રજૂઆતો કરી ઉમેદવારનો મેન્ડેડ રદ કરવાની માગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે કરજણ કોંગ્રેસના અગ્રણીઓએ ગતરોજ ઉમેદવાર બદલવાની માગણી સાથે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતે ગયા હતા અને પોતાના રોષ-લાગણી સાથે ઉમેદવાર બદલવા લેખિત-મૌખિક માગણી કરી હતી ત્યારે આજે જિલ્લા પ્રમુખને રજૂઆત કર્યા બાદ રોષ સાથે આગેવાનો કોંગ્રેસ કાર્યાલયમાંથી બહાર આવતા જાેવાયા હતા. આજની રજૂઆતમાં કરજણના ચંદ્રકાન્ત પટેલ, ધર્મેશ પટેલ, નીલાબેન ઉપાધ્યાય સહિતના અગ્રણીઓ હાજર હતા અને તેઓએ કહેલું કે, અમો વરસો સુધી કોંગ્રેસ સાથે જાેડાયેલા છીએ અને પાયાના કાર્યકરો છીએ છતાં અમારા જેવા પાયાના કાર્યકરોની અવગણના કરાઈ રહી છે. પ્રદેશ સમિતિએ અમારા બધાને વિશ્વાસમાં લીધા વિના જ ટિકિટ ફાળવી આપી છે જેથી અમારી સૌની લાગણીઓને ભારે ઠેસ પહોંચી છે, માટે આ ઉમેદવાર કિરીટસિંહ જાડેજાનો મેન્ડેડ બદલીને સ્થાનિક ઉમેદવારની પસંદગી કરો તેવી માગણી કરી છે. જિલ્લા પ્રમુખ સાગર કોકોએ તમામને સાંભળ્યા બાદ તમારી લાગણી પ્રદેશ કોંગ્રેસને પહોંચાડી છે અને પ્રદેશ કોંગ્રેસે દિલ્હી ખાતે પહોંચાડી હોવાનું મને જણાવ્યું છે. રજૂઆત કરવા ગયેલા આગેવાનોએ પાયાના કાર્યકરોની અવગણનાથી મિટિંગ બાદ પણ ગુસ્સામાં હોવાનું જાેવાયું હતું અને ટિકિટ નહીં બદલો તો રાજીનામાં ધરી દેવાની તૈયારી બતાવી હતી. આમ ભાજપા-કોંગ્રેસમાં ભડકો હોવાથી આ ચૂંટણી રસાકસીભરી બની રહે એવા એંધાણ

વર્તાઈ રહ્યા છે.