વડોદરા, તા. ૧૨

લેકઝોન હોડીકાંડમાં સંડોવાયેલા કોટિયા પ્રોજેક્ટના ભાગીદાર દિપેન શાહ અને ધર્મિલ શાહના રિમાન્ડ મેળવી પોલીસે બંનેની ઘનિષ્ટ પુછપરછ શરૂ કરી છે. દરમિયાન આજે હોડીકાંડની તપાસ માટે બનાવેલી સીટ દ્વારા આજે દિપેન અને ધર્મિલ શાહના નિવાસસ્થાન તેમજ ઓફિસમાં સર્ચ કરીને પંચનામુ કરીને કેટલાક દસ્તાવેજાે કબજે લીધા હતા. હોડીકાંડના ૨૬ દિવસ વિતવા છતાં હજુ પણ પોલીસને હાથતાળી આપીને ફરાર રહેલા ચાર ભાગીદાર આરોપીઓનો કોઈ પત્તો નહી લાગતા હવે પોલીસે ચારેયના બેંક ખાતા ફ્રીજ કરવાની તજવીજ શરૂ કરી છે.

હરણી મોટનાથતળાવ ખાતેના લેકઝોનમાં ૧૮મી જાન્યુઆરીએ બોટ પલ્ટી જતા ૧૨ વિદ્યાર્થીઓ તેમજ બે શિક્ષિકા સહિત ૧૪ના મોત નિપજ્યા હતા જે બનાવની તપાસ માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરાઈ છે. આ ગુનામાં પોલીસે અત્યાર સુધી લેકઝોનનો કોન્ટ્રાક્ટ ધરાવતા કોટિયા પ્રોજેક્ટ તેમજ તેઓના સબકોન્ટ્રાક્ટ કંપનીના ૧૬ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગુનામાં તાજેતરમાં ઝડપાયેલા કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો દિપેન હિતેન્દ્ર શાહ અને તેના ભાઈ ધર્મિલ ગીરીશ શાહ હાલમાં રિમાન્ડ પર છે. આ બંને આરોપીઓને પોલીસે સાથે રાખી તેઓનું ક્રોસ ઈન્ટ્રોગેશન હાથ ધરી કોન્ટ્રાક્ટથી માંડીને હિસાબોની લેવડદેવડ અને નફા નુકશાનની વિગતો મેળવી હતી.

જુનાપાદરા રોડ પર મલ્હાર પોઈન્ટ પાસે પુનિતનગર સોસાયટીમાં રહેતા દિપેન અને ધર્મિલ શાહ જમીન લે-વેંચનો ધંધો કરતા હોઈ તેેઓની ચકલી સર્કલ પાસે ઓફિસ છે. સીટ દ્વારા આજે બંને આરોપીઓના રહેણાંક સ્થળે તેમજ ઓફિસમાં પણ સર્ચ હાથ ધરાયું હતું અને બંને સ્થળોએ ઝડતી કરી કેટલાક કાગળો પણ કબજે લીધા હતા. હોડીકાંડના ૨૦ આરોપીઓ પૈકી હજુ પણ લેકઝોનનો મુખ્ય સંચાલક પરેશ શાહની પત્ની નુતન, પુત્ર વત્સલ અને પુત્રી વૈશાખી તેમજ ધર્મિન ભટાણી સહિત ચાર આરોપીઓ હોડીકાંડના ૨૬ દિવસ બાદ પણ હજુ ફરાર છે. આ ચારેય ભાગીદાર આરોપીઓના કોઈ સગડ નહી મળતા પોલીસે તેઓના બેંક એકાઉન્ટની વિગતો મેળવી છે અને હવે ચારેયના બેંક ખાતા ફ્રીજ કરવાની તજવીજ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પોલીસે કોટિયા પ્રોજેકટનું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયમાં આવેલું કરંટ ખાતું અગાઉ જ ફ્રીજ કરી દીધું છે.