વડોદરા : રાજ્યના નર્મદા વિકાસમંત્રી યોગેશ પટેલ અને ધારાસભ્યોએ ઓએસડી વિનોદ રાવ પાસેથી વડોદરામાં કોરોનોની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી તેમજ મ્યુનિ. કમિશનર અને પોલીસ કમિશનર સાથે ટેલિફોનિક ચર્ચા-વિચારણા કરી હાલની કોરોનાની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળીને કોરોનાની સ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા હતા. યોગેશ પટેલ અને ધારાસભ્યોએ કોરોનાને વધતો અટકાવવા માટે વેક્સિનેશન બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

રાજ્યના નર્મદા વિકાસ મંત્રી યોગેશ પટેલ, ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયા, સીમાબેન મોહિલે અને ઓએસડી ડો. વિનોદ રાવે રૂબરૂમાં મુખ્યમંત્રીને મળીને ચર્ચા વિચારણા કર્યા બાદ વડોદરામાં કોરોના વધુ ન ફેલાય તે માટે લેવાયેલા પગલાં અંગે માહિતગાર કર્યા હા. વડોદરામાં વેક્સિન અને કોરોનાના ટેસ્ટ માટે પ૯ સેન્ટરો છે. રોજના લગભગ ૬૦૦૦ વેક્સિનેશન કરવામાં આવે છે. વેક્સિનેશન કેન્દ્રોની સંખ્યા ૧પ૦ કરી રપ,૦૦૦થી વધુ લોકોને રસી મુકાવવાનો લક્ષ્યાંક પૂરો કરવા જણાવ્યું છે.

વડોદરામાં ૮ જેટલા તંબુ લગાવીને મોટી સંખ્યામાં રેપિડ ટેસ્ટ કરવા તેમજ સંજીવની રથ જેની સંખ્યા હાલમાં ૧૫૦ છે તેને વધારીને રપ૦ કરાશે અને એક ટીમ રોજ રપ થી ૩૦ ઘરોમાં જઈને હોમ ક્વોરન્ટાઈન દર્દીઓની સારવાર માટે પ્રવૃત્ત થાય તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે. ખાનગી હોસ્પિટલોમાં સરકાર દ્વારા નિયત થયેલ સારવારના ભાવ અંગેનું બોર્ડ મુકવામાં આવશે જેથી લોકોને વધુ પૈસા ચૂકવવા ન પડે. શહેરના વહીવટી ૧ર વોર્ડમાં દરેક વોર્ડદીઠ બે વાહનો દ્વારા માઈક લગાવીને કોરોના અંગે લોકોને જાગૃત કરવામાં આવશે. જેમાં દરેકે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, વેક્સિનેશન કરાવવું અને ચારથી વધુ લોકો ભેગા ન થાય એ માટે જાગૃત કરવામાં આવશે. જિલ્લાના ડોકટરો અને રેસિડેન્સ ડોકટરોની ટીમ જરૂરિયાત મુજબ બોલાવવા અને જરૂરિયાત મુજબ વધારા બેડની વ્યવસ્થા કરવામાં આવશે તેમ રૂપાણીએ જણાવ્યું હતું.

દરેક પોલીસ ચોકી પર પોલીસ અધિકારીઓ દ્વારા નાના મોટા વેપારીઓ, વિવિધ મંડળો, સામાજિક સંસ્થાઓ અને રાજકીય પક્ષના આગેવાનો સાથે મિટિંગ કરી કોરોનાની રસી મુકાવવા અને ટેસ્ટ અંગે વધુ જાગૃતતા લાવી યુદ્ધના ધોરણે પ્રયત્નો કરવા ધારાસભ્યો, સાંસદ, કલેકટર, પાલિકા કમિ.એ મિટિંગનું આયોજન કરવા રૂપાણીએ સૂચન કર્યું છે તેમજ જરૂરિયાત મુજબની ગ્રાન્ટ પૂરી પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું. યોગેશ પટેલે નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી નીતિન પટેલ સાથે હાલની સ્થિતિ અંગે ટેલિફોનિક ચર્ચા કરતાં તેઓએ આરોગ્યને લગતી તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપી હતી.