અરવલ્લી,ધનસુરા : અરવલ્લી જિલ્લામાં અકસ્માતની ઘટનાઓ સતત બની રહી છે. ખાનગી વાહનચાલકોની માફક એસટી બસના ચાલકો બેફામ ગતિએ બસ હંકારી રહ્યા હોવાની બૂમો વચ્ચે ધનસુરા નજીક એસટી બસે મોપેડને અડફેટે લેતા મોપેડના ફુરચેફુરચા નીકળી ગયા હતા. એસટી બસના ટાયર મોપેડ સવાર આધેડ પર ફરી વળતા ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાના પગલે દોડી આવેલી ધનસુરા પોલીસે મૃતકની લાશને પીએમ માટે સરકારી દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધનસુરાની સ્વામિનાયારણ સોસાયટીમાં રહેતા વસંતભાઈ મોપેડ લઇ કામકાજ અર્થે ઘરેથી નીકળ્યા હતા. બાયડ-ધનસુરા રોડ પર આવેલ હોટલ નજીક પસાર થતા હતા, ત્યારે બાયડથી અંબાજી તરફ જતી બસના ચાલકે બસ ગફલતભરી રીતે હંકારી મોપેડને ધડાકાભેર ટક્કર મારતા વસંતભાઈ રોડ પર પટકાયા હતા. મોપેડ અને વસંતભાઈ પર ટાયર ફરી વળતા બંનેનો કડૂચાલો વળી ગયો હતો. વસંતભાઈ નામના વ્યક્તિનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી.