કેવડિયા-

ટેન્ટ સિટી ખાતે યોજાનારી ઓલ ઇન્ડિયા ડિફેન્સ કોન્ફરન્સ માટે કડક સુરક્ષા બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. ટેન્ટ સીટી ખાતે ૪ માર્ચથી શરૂ થતી કોન્ફરન્સમાં સેનાની ચારેય પાંખના વડા, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તેમજ રક્ષા મંત્રી રાજનાથ ઉપસ્થિત રહેનાર છે.

૬ઠ્ઠી માર્ચના રોજ પૂર્ણાહુતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે અને તેઓ આ પ્રસંગે અનુમોદન પણ કરવાના છે. કેવડિયા કોલોનીમાં આ દિવસને લઇને ભારે ચહલપહલ જાેવા મળી રહી છે. ખાસ કરીને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સો હવે યોજાઈ રહી છે. ત્યારે ડિફેન્સ કોન્ફરન્સમાં ત્રણ દિવસ દરમિયાન દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને લઇને મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવનારી છે. આ કોન્ફરન્સ લઈને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ તેમજ ત્રણેય સેનાનાં વડાઓ સહિત ઉચ્ચ અધિકારીઓ આવશે.

કેવડિયા ખાતે ૧૫થી ૨૦ હેલિકોપ્ટર આવે તેવી શક્યતાઓ છે. જેના કારણે તાત્કાલિક રેલવે સ્ટેશનની સામેની જગ્યા પર હેલિપેડ બનાવવામાં આવ્યું છે. જ્યાં એક સાથે ત્રણ થી ચાર જેટલા હેલિકોપ્ટર ઉતરાણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કેવડિયા કોલોનીમાં અગાઉથી એક હેલીપેડ છે. જ્યારે, બીજુ એક હેલીપેડ પણ તાત્કાલિક બનાવવામાં આવ્યું છે. એક જ દિવસમાં ૧૫થી ૨૦ હેલિકોપ્ટર આવનારા હોવાથી જ નવું હેલીપેડ બનાવવામાં આવ્યું છે.