વડોદરા

શહેરના શાસ્ત્રીબ્રિજની આસપાસ વરસોથી રહેતા વસાહતોના ર૦૦ મકાન અને દુકાનોની જમીન હાઈસ્પીડ રેલમાં સંપાદન માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેની સામે રહીશોએ રોષ વ્યક્ત કરી રહીશોને અને દુકાનદારોને કોમર્શિયલ પ્લોટ આપી તેમનું પુનઃ સ્થાપન અને પુનર્વસનની કાર્યવાહીની માગ સાથે કલેકટર કચેરીએ દેખાવો યોજી આવેદનપત્ર આપ્યું હતું.

રેલવે ટ્રેકની આજુબાજુમાં આવેલી મિલકતો અને જમીન સંપાદન કરવાની કાર્યવાહી હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના શાસ્ત્રીબ્રિજ પાસે આવેલ નાણાવટી ચાલી, ફરામજી ચાલી અને શંકરવાડીની જમીન સંપાદન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જમીન પર આઝાદી પૂર્વે ૧૯૦૨માં બાંધવામાં આવેલો નાણાવટી મેન્શન બંગલો અને ર૦૦ મકાન અને દુકાનો પણ તૂટશે, ત્યારે આ વસાહતના રહીશો અને વેપારીઓને હાઈસ્પીડ રેલ કોર્પોરેશન અને જિલ્લા કલેકટર દ્વારા જમીન સંપાદન અધિકારી દ્વારા નોટિસો આપવામાં આવી છે. નોટિસમાં ધમકીભર્યા શબ્દો લખતાં સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપ્યો છે.એકતા ગ્રામીણ પ્રજાવિચાર મંચના નેજા હેઠળ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સરકાર અને હાઈસ્પીડ રેલ કોર્પોરેશન પ્રતિ ચોરસ ફૂટે રૂપિયા ૩૦૦૦ અને તેની ઉપર ૧૦૦ ટકા વધારો ગણી પ્રતિ ચોરસ ફૂટે રૂા.૬૦૦૦ આપવા વિચારે છે. હાલમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જમીનની હરાજી કરીને વેચાણ કરવાનો જે ભાવ નક્કી કર્યો છે તે ભાવ આપવા રહીશોએ માગણી કરી છે. આ ઉપરાંત અન્ય જગ્યા પર પ્લોટ આપવાની માગણી કરી છે.