વડોદરા, તા.૭ 

વડોદરાની વિવિધ શાળાઓને કોર્પોરેશને ફાયર સેફટી અંગે નોટિસો આપી છે. ત્યારે વડોદરા શાળા સંચાલક મંડળ દ્વારા હાલ પૂરતું શાળાઓને પ્રોવિઝનલ ફાયર સેફટી સર્ટિફિકેટ આપવા, ૧૫ મીટર સુધી અને તેથી વધુ ઊંચાઈ ધરાવતી શાળાઓને ફાયર એનઓસી મેળવવા સમય આપવા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહને રજૂઆત કરી છે.

શહેર શાળા સંચાલક મંડળે રજૂઆતમાં જણાવ્યું છે કે ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઈફ સેફટી મેઝરમેન્ટ એક્ટ પહેલાથી કાર્યરત છે. તમામ શાળાઓની બિલ્ડિંગ જે તે સમયે પાલિકાના નિયમો અને ગુજરાત માધ્યમિક બોર્ડના નિયમ અનુસાર મંજૂરી મેળવીને શરૂ કરવામાં આવી છે. હાલ પાલિકાને ફાયર સેફટી અંગેની નોટિસો શાળાઓને પાઠવી છે. નોટિસમાં ફાયર સેફટીની જે શરતો રજૂ કરી છે તે જે તે સમયે કરી નહીં, જેથી હાલના તબક્કે તમામ શરતોનું પાલન કરવું અશક્ય છે.

માર્ચ, ર૦ર૦થી કોવિડ-૧૯ના કારણે મોટાભાગની શાળાઓ બંધ છે. શાળાઓને શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ને બીજા સત્રની ફી પણ પ્રાપ્ત થઈ નથી અને વર્ષ ર૦ર૦-૨૧નું શૈક્ષણિક વર્ષ હજુ શરૂ થયું નથી. જેના કારણે રપ ટકા ફીમાં માફી છતાં પૂરતા પ્રમાણમાં ફી આવતી નથી અને જે કાંઈ આવે છે તે શિક્ષકો અને કર્મચારીઓના પગારમાં ચૂકવાઈ જાય છે જેથી હાલની સ્થિતિમાં પાલિકાને આપેલ ફાયર સેફટી અંગેની નોટિસનો અમલ થઈ શકે તેમ નથી. જેથી વડોદરા શહેરની તમામ શાળાઓને હાલ પૂરતું પ્રોવિઝનલ ફાયર સેફટી અંગેનંુ સર્ટિફિકેટ આપવા રજૂઆત કરી છે. જ્યારે ૧૫ મીટર સુધીની ઊંચાઈ ધરાવતી શાળાઓને ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા સમય આપવા અને ર૪ મીટર સુધીની ઊંચાઈ ધરાવતી શાળાઓને ફાયર સેફટી સર્ટિફિકેટ માટે વધુ સમય આપવા માગ કરી છે.શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧નું વર્ષ શાળાઓ માટે ખૂબ જ આર્થિક તંગી અને કટોકટીવાળું હોવાથી સદર વર્ષમાં શાળા સંચાલકો કોઈપણ પ્રકારનો ખર્ચ કરી શકે તેમ નથી. તેમ છતાં સરકાર અમોને તે માટે આર્થિક સહાય અથવા ઓછા વ્યાજની લોન અથવા સબસિડી આપે તો ભવિષ્યમાં તેનો અમલ કરવા અમે કટિબદ્ધ છીએ તેમ પણ કહ્યું છે.