વડોદરા, તા. ૧

મેપલ વિલા બંગ્લોના નામે મકાન બાંધકામની સ્કીમ શરૂ કરી અનેક ગ્રાહકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈમાં સંડોવાયેલો બિલ્ડર અપુર્વ પટેલે ખાનગી કંપનીના નિવૃત્ત કર્મચારી પાસેથી ૬૮ લાખથી વધુ નાણાં લીધા બાદ પણ અધુરા બાંઘકામવાળા બંગલાનું પઝેશન આપી તેના દસ્તાવેજ નહી કરી આપતા તેમજ જીએસટી- મેન્ટેનન્સ પેટે વધુ ૧૦.૭૨ લાખ પડાવવા માટે નોટીસ મોકલી માનસિક ત્રાસ ગુજારતા અપુર્વ પટેલ વિરુધ્ધ નિવૃત્ત કર્મચારીએ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

માંજલપુરની જયશંકર સોસાયટીમાં અગાઉ રહેતા ૬૨ વર્ષીય શૈલેષભાઈ ધનંજય ભટ્ટ ફેગ ઈન્ડિયામાંથી નિવૃત્ત થયા છે અને હાલમાં વડસરબ્રિજ પાસે બિલાબોંગ સ્કુલ પાછળ મેપલ વિલાસમાં રહે છે. ગત ૨૦૧૭માં તેણે મેપલ વિલાસ સ્કીમની જાહેરાત વાંચી શ્રી સિધ્ધિ વિનાયક ડેવલપોર્સના સંચાલક અપુર્વ દિનેશ પટેલનો સંપર્ક કર્યો હતો અને હાલમાં રહે છે તે બંગલો રૂા.૬૬ લાખમાં બુક કરાવ્યો હતો. તેમણે તબક્કાવાર બંગલાની પુરેપુરી રકમની ચુકવણી કરી હતી તેમ છતાં અપુર્વ પટેલે તેમના બંગલાના ઓપન ટેરેસ અને પગથિયાના રેલીંગના ગ્લાસ, બધા દરવાજાના તાળા, ધાબાની ટાઈલ્સના વાટા, બારી-દરવાજાની ફ્રેમમાં સોલ્યુશન, કમ્પાઉન્ડમાં મિક્ષ ટાઈલ્સ અને લાઈટ મીટરની કામગીરી અધુરી રાખી હતી અને દસ્તાવેજને વાર લાગશે માટે રહેવા જતા રહો તેમ કહી તેમને ઉક્ત બંગલામાં રહેવા માટે મોકલી દીધા હતા. જાેકે ત્યારબાદ તેણે દસ્તાવેજ માટે વધુ એક લાખ લીધા હતા અને ગત ૧૮-૧૧-૨૦૨૧માં તેમને નોટીસ મોકલી મેન્ટેનન્સ પેટે તેમજ જીએસટી પેટે કુલ ૧૦.૭૨ લાખની માગણી કરી માનસિક ત્રાસ ગુજાર્યો હતો. તેણે નાણાં નહી મળે તો આજીવન દસ્તાવેજ નહી કરી આપુ અને તમારી જીંદગી બરબાદ કરી નાખીશ તેવી ધમકી આપી હતી. અપુર્વ પટેલે બંગલા વેચાણ પેટે પુરેપુરા નાણાં લીધા બાદ પણ બાંધકામની કામગીરી પુરી નહી કરી તેમજ દસ્તાવેજાે અને લાઈટ-પાણીની સુવિધા નહી આપી ઠગાઈ કરતા તેના વિરુધ્ધ શૈલેષભાઈએ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.