અરવલ્લી,તા.૨૯ 

અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસદ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઇ રહેલો ભાવ વધારો, મોંઘવારીએ માજા મુકતા પ્રજાના પ્રશ્નોને વાચા આપવા વિરોધ પ્રદર્શન કરી રહી છે.મોડાસા શહેરમાં ચાર રસ્તા ખાતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ નોંધાવી ધરણા પર બેસતા સતત વાહનોથી ધમધમતા રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. મોડાસા ટાઉન પોલીસે કોંગ્રેસના ત્રણે ધારાસભ્યો, અગ્રણી આગેવાનો સહીત ૧૫ કાર્યકરોની અટકાયત કરી હતી.મોડાસા ચાર રસ્તા ખાતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને મોંઘવારી વિરુધ્ધ પ્રદર્શન યોજી મુખ્યમાર્ગ ઉપર ફરી કાર્યક્રમ આપી સરકારની નીતિ સામે આક્ષેપો કરી જણાવ્યું છેકે કેન્દ્ર અને રાજ્ય સરકારના શાસનમાં કેન્દ્ર અને રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ અને રાંધણગેસ સહિત જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓમાં સતત વધારો કરાઈ રહ્યો છે. લોકડાઉનના પગલે ધંધા રોજગાર બંધ રહેવાથી ગરીબ અને મધ્યમવર્ગ અસહય મોંઘવારીના બોજા હેઠળ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.૧૫ દિવસ દરમિયાન ભાજપની સરકારે પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારો ઝીંકી દેતા સામાન્ય માણસની કમર તોડી નાખી છે. ડિઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટ મોંઘુ થતાં જીવનજરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા છે. કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે કોરોના મહામારીના સમયમાં પ્રજા મુશકેલીમાં હોય ત્યારે સરકાર દ્વારા મદદ કરવાની થતી હોય છે. પરંતુ મુંગેરીલાલના સપના જેવું રાહત પેકેજ જાહેર કરી લોકોની વેદનામાં વધારો કરવાનું કૃત્ય કર્યું છે.પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારાની સાથોસાથ જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓમાં પણ સખત ભાવ વધારો કરી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને મોંઘવારીના બોજા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે. પેટ્રોલ પેદાશમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં સેન્સ અને જીએસટીમાં સતત વધારો કરી ત્રણ ગણા ભાવથી પેટ્રોલ વહેંચી લોકોની યાતનામાં વધારો કરવાનું કામ ભાજપ સરકારી કર્યું છે જેને કોંગ્રેસ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કઢાઇ છે.