વડોદરા : બગલામુખીના બની બેઠેલા ગુરુજી પાખંડી પ્રશાંત ઉપાધ્યાય વિરુદ્ધ વધુ એક દુષ્કર્મની નોંધાયેલી ફરિયાદમાં ગોત્રી પોલીસે તેનો જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજાે મેળવ્યા બાદ તેના ગુનાના કામે બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમિયાન તપાસના ભાગરૂપે તેને આજે એનપીટી ટેસ્ટ (નોકયુનરલ પેનાઈલ ટયુમેસન્સ) માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાખંડી પ્રશાંત ઉપાધ્યાય ગોત્રી સ્થિત તેના આશ્રમ ખાતે મહિલા સેવિકાઓને જુદા જુદા બહાને બોલાવી પાપલીલા દુષ્કર્મ આચરતો હતો. પ્રશાંત ઉપાધ્યાયની પાપલીલાનો ઘડો ભરાઈ જતાં વારસિયા પોલીસ મથકે તેની વિરુદ્ધ રૂા.૨૧.૮૦ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, ત્યાર બાદ તેનો ભોગ બનેલ અનેક શિષ્યાઓ પોતાની ફરિયાદો સાથે પોલીસના શરણે પહોંચી હતી. છેતરપિંડીની ફરિયાદ બાદ પ્રશાંત ઉપાધ્યાય સામે ગોત્રી પોલીસ મથકે દુષ્કર્મનો ભોગ બનેલ સેવિકાએ ફરિયાદ નોંધાવી હતી. આમ બે ગુનાઓમાં સંડોવાયેલા પાખંડી પ્રશાંતની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસને વારસિયા સ્થિત મંદિર અને ગોત્રી ખાતેના આશ્રમમાંથી મહત્ત્વના કેટલાક દસ્તાવેજ મળી આવ્યા હતા. જે તે સમયે તેના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટીમાં મોકલી આપવામાં આવ્યો હતો. પ્રશાંતની પાપલીલાઓના કિસ્સાઓ સપાટી પર આવતાં તેનો ભોગ બનેલી એક સેવિકાએ ગોત્રી પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ પ્રશાંત સહિત તેની અંગત સેવિકાઓ દિશા ઉર્ફે જાેન, દીક્ષા અને ઉન્નતિ વિરુદ્ધ નોંધાવી હતી. જેમાં દિશા ઉર્ફે જાેનની પોલીસે ધરપકડ કરી તેણીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જાે કે, તેના રિમાન્ડ પૂરા થતાં તેણીને જેલના હવાલે કરી હતી. બીજી તરફ ગોત્રી પોલીસે દુષ્કર્મના ગુનામાં તેના ટ્રાન્સફર વોરંટથી પ્રશાંતનો જેલમાંથી કબજાે મેળવ્યો હતો અને તેના બે દિવસના અદાલતી રિમાન્ડ પોલીસે મેળવ્યા હતા એ દરમિયાન તેને આજે એનપીટી ટેસ્ટ માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો.