રાંચી

ભારતીય ક્રિકેટના મહાનાયકોમાં એક મહેન્દ્રસિંહ ધોની રમતને અલવિદા કહી ચુક્યો છે. આમ છતાં પણ તે ચર્ચામાં સ્થાન જાળવી રહ્યો છે. ફરી એકવાર લાંબા સમય બાદ ધોની સોશિયલ મીડિયા પર જોવા મળ્યો છે. તેણે એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જેમાં તે પોતાના રાંચી  નજીકના ફાર્મહાઉસ પર ઉગાડેલી સ્ટ્રોબેરી  ખાવાનો આનંદ પણ લઈ રહ્યો છે. આમ તો ધોની સોશિયલ મીડિયા પર ખૂબ ઓછો સક્રિય જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામનો છેલ્લો ઉપયોગ આ પહેલા તેણે પોતાની નિવૃત્તીની ઘોષણા કરવા દરમ્યાન કર્યો હતો. 


આમ છતાં પણ ઈન્સ્ટાગ્રામ પર તેના ફેનની સંખ્યામાં વધારો જ થતો રહે છે. ઈન્સ્ટાગ્રામ પર ધોનીના ત્રણેક કરોડ જેટલા ફોલોઅર્સ છે. ધોની આ ફોલોઅરની સંખ્યાના મામલામાં તે બીજો મશહુર ક્રિકેટર છે. એક નંબર પર વિરાટ કોહલી છે, તે લગભગ 9 કરોડ જેટલા ફોલોઅર્સ ધરાવે છે. 

તેણે રાંચી સ્થિત પોતાના ફાર્મ હાઉસનો એક વીડિયો અપલોડ કર્યો હતો. જે વીડિયોમાં જોવા મળે છે કે ધોની પોતાના ખેતરમાંથી તાજી સ્ટ્રોબેરી તોડીને ખાવાનો આનંદ માણી રહ્યો છે. ધોનીની તમામ પોસ્ટની જેમ જ આ વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર વાયરલ થઈ ગયો હતો. અત્યાર સુધીમાં તે વીડિયોને 35 લાખ કરતા પણ વધુ લોકો જોઈ ચુક્યા છે. પોતાના મજાકિયા અંદાજ માટે જાણીતા ધોનીએ વીડિયો કેપ્શનમાં પણ લખ્યુ હતુ કે, જો આમ જ ફાર્મ આવીને સ્ટ્રોબેરી ખાતો રહીશ તો બજાર માટે સ્ટ્રોબેરી વધશે નહીં. 

ઉલ્લેખનીય છે કે 15 ઓગષ્ટ 2020 દમ્યાન પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી વિદાય મેળવી લીધી હતી. ત્યારબાદ તે ચેન્નાઈ સુપર કિંગ્સની સાથે આઈપીએલમાં તે નજર આવ્યો હતો. IPL ખતમ થતા જ તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. સાથે જ તે જૈવિક ખેતી પણ કરી રહ્યો છે. જેના માટે ધોનીએ વિશાળ ફાર્મ હાઉસ પણ બનાવ્યુ છે. ધોનીનું આ નવુ ફાર્મ હાઉસ રાંચીના સેમ્બો ગાંવમાં છે. ચારેય બાજુ જંગલોથી ઘેરાયેલુ ધોનીનું આ ફાર્મ હાઉસ 43 એકરમાં ફેલાયેલુ છે. ધોની અહીં ખેતીની સાથે જ ડેરી અને મરઘા ઉછેર અને માછલી ઉત્પાદનનું પણ કામ કરે છે. 

ડેરી ઉદ્યોગ ચલાવવા માટે તેમણે ફ્રાંસથી ખાસ નસ્લની ફ્રિઝયન ગાયો પણ રાખી છે. હાલમાં અહીં 72 જેટલી ગાયો છે. ધોનીએ લોકલ ફોર વોકલને ધ્યાને રાખીને વધારે દુધ આપતી ગાયને ખેડૂતોને આપવાની યોજના છે. ફાર્મ હાઉસના કેર ટેકર કહે છે કે ધોની ખુદ અહીં સંભાળ રાખે છે, તેમનો પરીવાર પણ અહીં સમય પસાર કરે છે. ખૂબ જલ્દી ગીર નસ્લની ગાયોને પણ તેના ફાર્મમાં લાવવામાં આવનારી છે. અહીં ખેતરમાં હાલમાં અનેક પ્રકારની શાકભાજીને ઉગાડવામાં આવી રહી છે.