વડોદરા,તા.૨૫  

કોંગ્રેસ પક્ષ હંમેશા ઇમાનદાર રહ્યો છે. ભાજપે રાજ્યમાં ૩૦ વર્ષથી સત્તા ઉપર છે અને ભ્રષ્ટ્રાચારે ભારે માઝા મુકી છે. જે દિવસ ભાજપના ભ્રષ્ટ્રાચારનો ભોરીંગ ફાટશે એ દિવસે ભુકંપ સર્જાશે. કોંગ્રેસ વિરોધની રાજનીતીની સાથે સાથે સમસ્પાના સમાધાનની રાજનીતીમાં માને છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા બાદ પહેલી વાર વડોદરા આવેલા હાર્દિક પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતાં. હાર્દિક પટેલે લાંબા સમયથી મકાનો માટે આંદોલન કરી રહેલા સંજય નગરવાસીઓને પણ મળી એમની લડત છેક સુધી લઇ જવાની તૈયારી દર્શાવી હતી.

વડોદરાની ટૂંકી મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે અત્રેના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે,વડોદરા પાલિકા એટલી બધી ભિખારી થઇ ગઈ છે કે ગાયકવાડે ભિક્ષુકોને માટે આપેલી જગ્યા પરથી લોકોને રાતોરાત બેઘર બનાવીને ખાલી કરાવી વેચીને એના પાર વેપાર કરવો પડ્યો? આ સંજયનાગરની જગ્યાનો પાલિકાએ જાતે પ્રોજેક્ટ કર્યો હોત તો રૂપિયા ૧૨૦૦ કરોડ જેટલો જંગી નફો કમાત.પરંતુ ભાઈ ,ભત્રીજાવાદના ભ્રષ્ટાચારમાં રચ્યાપચ્યા રહેતા ભાજપના ભ્રષ્ટાચારની બાબતમાં હાથી જેવા ચાવવાના અને બતાવવાના જુદા જુદા દાંત છે. આવા દેશભરના કરોડોના ભ્રષ્ટાચારને ઢાંકવાને માટે બીજેપી મનસ્વી પગલાઓ લઇ પ્રજાનું ધ્યાન બીજે ભટકાવવામાં અવ્વલ નંબરે હોવાનું હાર્દિકે ઉમેર્યું હતું. આગામી ઉગ્ર આંદોલનોનો ચિતાર આપતા હાર્દિકે જણાવ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતની છ કરોડની જનતાના પ્રશ્નોને લઈને આંદોલન જગાવી ન્યાય અપાવશે.આને માટે રાજ્યના ૧૮ હજાર ગામડાઓમાં સંપર્ક કરાશે.પ્રશ્નો સમજીને એના ઉકેલ માટે પ્રજાની પડખે રહી આંદોલન કરાશે.વડોદરાના વિવિધ ભ્રષ્ટાચારો અને પ્રજાના પ્રશ્નોને માટે લડત આપવા અવારનવાર વડોદરાની મુલાકાતે પોતે આવશે એમ ઉમેર્યું હતું.

વડોદરાની મુલાકાતે આવેલ હાર્દિકે આજે સંજયનગર ખાતે આંદોલનકારીઓના પરિવારોની મુલાકાત લઈ તેમના પરત્વે સહાનુભૂતિ દર્શાવી હતી તથા કહ્યું હતું કે વડોદરા સંજયનગરના પ્રશ્ને પાલિકાનું તંત્ર અને શાસકો બેઉ મૌન સેવીને બેસી રહ્યા છે.પીડિતોને ત્રણ ત્રણ માસના ભાડા મળ્યા નથી. ૨૦૧૪માં વડોદરાથી ચૂંટણી લઢનાર અને જે તે સમયે વડોદરાની ચિંતા કરનાર વડાપ્રધાન મોદી ચૂપ કેમ છે?જો આ પ્રોજેક્ટ ભાઈ ભત્રીજાને આપવાને બદલે પાલિકા કરે તો ૧૨૦૦ કરોડનો ફાયદો થાય એમ છે. તેમ છતાં આ પ્રશ્ને સ્થાનિક પાલિકા, અધિકારીઓ, શાસકો, ધારાસભ્યો અને સાંસદો ભેદી ચુપકીદી સેવી રહ્યા છે.બાલાજી મોલના પણ મસમોટા ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરીને હાર્દિકે પાલિકા તંત્રને ટોણો માર્યો હતો કે શું પાલિકા એટલી બધી આર્થિક રીતે ભિખારી થઇ ગઈ છે કે ગાયકવાડે આપેલી ભિક્ષુકોની જગ્યા લઇ લીધીને મફતમાં પીપીપીના રૂપાળા નામે બિલ્ડરને પધરાવી દીધી? આ આંદોલનમાં કોંગ્રેસે પ્રજાના અને ૧૮૫૦ પરિવારોના પ્રશ્ને સફળતા મેળવવાના અને ન્યાય અપાવવાના હેતુથી જ ઝંપલાવ્યું છે અને અમે આ પ્રશ્ને સહયોગી થઈને જ રહીશું .આગામી બે ત્રણ દિવસમાં આ પ્રશ્ને ચાલતા ગાંધીનગર જઈશું.આ ગરીબોની લડાઈમાં અમે તેમની સાથે છે.

ભાજપને મંદિરે દર્શન કરવા જાઉં એમાં વિરોધની કેમ જરૂર પડી?

કાશી વિશ્વનાથના દર્શન કરવા હાર્દિક ગયો ત્યારે એનો ભાજપ દ્વારા દેખાવો કરીને વિરોધ કરાતા એ મામલે પણ ભાજપને આડે હાથ લીધી હતી.ભાજપને હિન્દૂ મંદિરમાં દર્શન કરવા જાઉં એમાં વિરોધ કરવાની કેમ જરૂર પડી?એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.

હિન્દુઓની સરકારે હિંદુઓ સાથે જ અન્યાય કેમ કર્યો ?

સંજયનગરના તમામ ૧૮૫૦ પરિવારો હિંદુઓ છે.અત્યારની કેન્દ્ર અને રાજ્યની સરકાર હિન્દુઓની સરકાર હોવાની વાતો કરે છે. તો પછી સંજયનગરના આટલા બધા પરિવારોના મામલે કેમ ચુપકીદી સેવી રહી છે. સંવેદાનશીલ સરકારની હિંદુઓ પ્રત્યેની સંવેદના આ મામલે ક્યાં ગઈ ?એવો આડકતરો ઈશારો કર્યો હતો.

કોંગ્રેસ પ્રજાના તમામ પ્રશ્નો બાબતે મક્કમ લડત આપશે

હાર્દિકે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે,કોંગ્રેસ પ્રજાના વેરા માફી,લાઈટ બિલ, મોંઘવારી, શિક્ષણ, આવાસના કૌભાંડો સહિતના પ્રશ્નોને લઈને આંદોલન કરશે.તેમજ જ્યા સુધી પ્રજાને ન્યાય મળશે નહિ ત્યાં સુધી લડત આપશે.

આવાસ કૌભાંડો બાબતે મુખ્યમંત્રીને અવગત કરાશે

વડોદરામાં મહાનગર પાલિકા દ્વારા જે જે આવાસ યોજનાઓના કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે.એવા પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનાના તમામ નબળી ગુણવત્તાના બાંધકામ અને એમાં થયેલા કૌભાંડો બાબતે મુખ્યમંત્રીને અવગત કરાશે.આવા આવાસોના અંદાજે ૨૦ થી ૨૫ હજાર કરોડના કૌભાંડો થયા હોવાનું તેઓએ ઉમેર્યું હતું.

રાજ્યમાં બીજેપીના ૩૦ વર્ષના શાસનમાં સાયલન્ટ ભ્રષ્ટાચારની બોલબાલા

હાર્દિકે રાજ્યમાં બીજેપીના ૩૦ વર્ષના શાસનમાં મહાનગર પાલિકાઓ,નગર પાલિકાઓ,નગર પંચાયતો,ગ્રામ પંચાયતો,તાલુકા પંચાયતો,જિલ્લા પંચાયતો સહીત ક્યાં કોઈપણ પ્રકારના વધારાના કાર્યો કે વિકાસના નોંધપાત્ર કામો થયા નથી એવો દાવો કર્યો હતો.ભાજપ પોતાની જાતને ભ્રષ્ટાચારી નથી એવું દેખાડે છે.પરંતુ એમાં સાયલન્ટ ભ્રષ્ટાચારનું પ્રમાણ ખુબજ ઉંચુ હોવાનું જણાવ્યું હતું.

હાર્દિક પટેલના બે બોડીગાર્ડ સહિતની ત્રિપુટીનો હુમલો

વડોદરા, તા.૨૫

પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ પહેલી વખત વડોદરા આવેલા હાર્દિક પટેલનો કાળા વાવટા બતાવીને વિરોધ કરી રહેલા સામાજિક કાર્યકરને હાર્દિક પટેલના બે બોડીગાર્ડ અને અને એક કોંગી કાર્યકરે ગડદાપાટુનો માર મારતા આ ત્રણેય હુમલાખોરો સામે સામાજિક કાર્યકરે નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.સાંકરદા વિસ્તારની સહજાનંદ સોસાયટીમાં રહેતા સંજયભાઈ વિષ્ણુકુમાર પંચાલ સામાજિક કાર્યકર છે. આજે કોંગી કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ વડોદરા આવવાના હોઈ તેમણે શહેર પોલીસ કમિ. અને કલેકટરને અરજી આપી જણાવ્યું હતું કે હાલમાં કોરોના મહામારી હોય અને શહેરમાં ૧૪૪ની કલમ લાગુ છે. હાર્દિક પટેલ પર ૨૦૧૫માં રાજદ્રોહનો કેસ દાખલ થયો છે અને તેણે કોંગ્રેસ સાથે મળી ૨૦૧૫માં અનામત આંદોલન કરી પોતાના રાજકિય રોટલા શેકી ૧૪-૧૫ પાટીદાર દિકરાઓનો ભોગ લીધો છે અને તે વડોદરામાં આવશે તો સુલેહ શાંતિનો ભંગ થશે માટે તેને વડોદરામાં પ્રવેશવા દેતા નહી.આ અરજી આપી તે કાશી વિશ્વનાથ મંદિરમાં આવેલા દાર્દિક પટેલનો મંદિર સામે ડિવાઈડર પર ઉભા રહી કાળા વાવટા બતાવીને વિરોધ કરતા જ તેની પર કોંગી કાર્યકરો તુટી પડ્યા હતા અને તેમને ગડદાપાટુનો માર માર્યો હતો. હુમલામાં એક તબક્કે તે ચાલુ બસ સાથે ભટકાતા બસ નીચે કચડાતા બચ્યા હતા. આ બનાવના પગલે દોડી આવેલી પોલીસે દરમિયાનગીરી કરી તેમને માંડ-માંડ બચાવ્યા હતા.