આણંદ, તા.૩૧  

દુનિયા જ્યારે કોવિડ-૧૯ મહામારીનો સામનો કરી રહી છે ત્યારે અમૂલ દ્વારા વિશ્વનો પહેલો હલ્દી આઇસ્ક્રીમ બજારમાં મૂકવામાં આવ્યો છે. અગાઉ દેશભરના ગ્રાહકોને રેડી ટુ ડ્રિન્કના વિકલ્પો પૂરાં પાડવા માટે અમૂલે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે તેવા પીણાંની રેન્જ તરીકે અમૂલ હલ્દી દૂધ, અમૂલ તુલસી દૂધ, અમૂલ જીંજર દૂધ અને અમૂલ અશ્વગંધા દૂધ રજૂ કર્યું હતું. હવે આ શ્રેણીમાં હલ્દી આઇસ્ક્રીમ બજારમાં મૂક્યો છે.

અમૂલના સૂત્રોનું કહેવું છે કે, ગ્રાહકોને વધુ આનંદ મળે તે હેતુથી અમૂલની ઇમ્યુનિટી બુસ્ટર રેન્જને આઇસ્ક્રીમ કેટેગરીમાં પણ વિસ્તારવામાં આવી છે. અમૂલે સૌ પ્રથમ વખત હળદર, મરી, મધ તથા ખજૂરના ગુણ ધરાવતો હલ્દી આઈસ્ક્રીમ રજૂ કર્યો છે, જેમાં ખજૂર, બદામ અને કાજુ પણ પુષ્કળ પ્રમાણમાં હશે. આ ઘટકોનો સમન્વય થતાં એક જ કપમાં આરોગ્ય અને સ્વાદ પ્રાપ્ત થશે. હળદર તેના એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિઇન્ફ્લેમેટરી ગુણધર્મો માટે જાણીતી છે. સદીઓથી આયુર્વેદ જેવી પરંપરાગત પદ્ધતિઓ દ્વારા હળદરનો તંદુરસ્તી વધારવા માટે તાજા અને સૂકા મસાલા પાવડર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હળદર એ વ્યાપકપણે સંશોધન કરાયેલો મસાલો છે અને રસોઈમાં તેનો પૂરક આહાર તરીકે તથા સૌંદર્યના હેતુથી પણ ઉપયોગ કરવામાં આવે છે. મરી એ બીજાે એક એવો મસાલો છે કે જે ભારતના ઘર ઘરમાં જાણીતો છે અને તેનાંથી શ્વાસોશ્વાસના રોગોની સારવાર થાય છે. પાચન માટે પણ તે સારો ગણાય છે. મધમાં એન્ટિ ઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે અને તે કફને દબાવે છે.

આ પ્રોડક્ટ ૧૨૫ એમએલના કપ પેકિંગમાં રૂ.૪૦માં ઉપલબ્ધ છે. હલ્દી આઇસ્ક્રીમને ઉત્તર અને પશ્ચિમ ભારતના દૈનિક ૫,૦૦,૦૦૦ પેકની ક્ષમતા ધરાવતાં અદ્યતન ઉત્પાદન એકમમાં પેક કરવામાં આવ્યો છે.

હવે ટૂંક સમયમાં ઇમ્યુની ચક્ર આસ્ક્રીમ આવશે!

આ રેન્જને આગળ ધપાવવા માટે અમૂલ હળદર, આદુ અને તુલસીનો સમન્વય ધરાવતો સ્વાદિષ્ટ ટ્રાય-કલર ઇમ્યુની ચક્ર આસ્ક્રીમની ૬૦ એમએલની સ્ટીક ટૂંક સમયમાં માર્કેટમાં રજૂ કરશે.