ચોમાસા ૫હેલાં જ આફતોની વણઝાર પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ
29, મે 2025 2376   |  

વડોદરા, વડોદરા શહેરમાં બુધવારે દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટ રહ્યાં બાદ મધરાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અને પવન સાથે હળવો વરસાદ થયા બાદ વહેલી સવારે ફરી ૨૫ કીમી પ્રતિકલાકની ઝડપે ફૂંકાયેલા પવનની સાથે એક ઈંચ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક થવાથી લોકોએ રાહત અનુંભવી હતી. આ વર્ષે વહેલો વરસાદ શરૂ થતાં પાલિકા તંત્ર દ્વારા હજુ પ્રિ મોન્સૂનની કામગીરી હજુ પૂર્ણ કરાઈ નથી. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ખાડા, કે ચરીઓ બેસી ગઈ હતી. જ્યારે કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સાથે કાદવ- કીચ્ચડ થતાં લોકો પરેશાન થયા હતા. આ વર્ષે મોન્સુનનું વહેલુ આગમન થયું છે. મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત સમગ્ર રાજ્યને વરસાદે ધમરોળ્યું છે. ત્યારે ગુજરાતના પણ અનેક જિલ્લાઓમાં મેધરાજા વરસી રહ્યાં છે. ઉકળાટ અને ગરમીના કારણે પરેશાન લોકોએ વરસાદ બાદ ઠંડક થતાં રાહત અનુભવી છે. વડોદરામાં ગઈકાલે દિવસ દરમિયાન બફારો અને ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે મધરાત્રે તેજ ગતીએ ફૂંકાયેલા પવન સાથે હળવો વરસાદ થયો હતો. જાેકે,બે કલાકના વિરામ બાદ વહેલી સવારે ફરી ૨૫ કીમીની ઝડપે પવન અને વિજળીના કડાકા સાથે એક ઈંચ જેટલો વરસાદ થતાં ઠંડક થવાથી લોકોએ રાહત અનુભવી હતી.જાેકે, વહેલી સવારે વરસાદ થયા બાદ રોકાઈ જતાં ગણતરીના સમયમાં કેટલાક વિસ્તારોમાં ભરાયેલા પાણી ઉતરી ગયા હતા. વહેલી સવારે થયેલા વરસાદને પગલે આજે સવાર થી ગરમી અને ઉકળાટમાં થોડી રાહત અનુભવાઈ હતી. વહેલી સવારે વડોદરા શહેર ઉપરાંત સાવલી તાલુકામાં ૧૨મી.મી., પાદરા તાલુકામાં ૬ મી.મી., કરજણમાં ૩ મી.મી. અને ડેસરમાં ૯ મી.મી. વરસાદ થયો હતો. હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ આજે આંશિક વાદળીયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાનમાં ૨ ડિગ્રીના ધટાડા સાથે ૩૪.૬ ડિગ્રી સેન્ટિગ્રેડ અને લધુત્તમ તાપમાનમાં ૫.૪ ડિગ્રીના ધટાડા સાથે ૨૩.૪ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતુઅને દક્ષિણ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિ કલાકના ૧૦ કી.મી. નોંધાઈ હતી. હવામાન વિભાગે આવતિકાલે વડોદરા સહિત મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છુટા છવાયા ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution