પંચમહાલ : પંચમહાલ જિલ્લામાં સોમવારના રોજ પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી અને પોલિસ અધિક્ષકની કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ૩૨મા નેશનલ રોડ સેફટી ૧૮મી જાન્યુઆરીથી તા. ૧૭ ફેબ્રુઆરી દરમિયાન માર્ગ સલામતી માસની ઉજવણીનો શુભારંભ સમારોહ યોજવામાં આવ્યો હતો. જિલ્લા સેવાસદનના પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમના સહઅધ્યક્ષ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટિલે જણાવ્યું હતું કે ટ્રાફિકનું પ્રમાણ દિનપ્રતિદિન સતત વધી રહ્યું છે ત્યારે વાહનચાલકોના અમૂલ્ય જીવન બચાવવા રોડ સેફ્ટીના નિયમો અને નિયમપાલન અંગે જાગરૂકતા વધારવા આવા કાર્યક્રમો સતત કરવા આવશ્યક છે. આ કાર્યક્રમમાં આરટીઓના અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ વિભાગના કર્મચારીઓ અને શહેર –જિલ્લાના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં લોકોની જાગૃતતાને અભાવે ગમખ્વાર અકસ્માત થતા હોય છે. ટ્રાફિક સેફ્ટીના નિયમો લોકોમાં ન હોવાથી તેઓ તેનો ભોગ બને છે. આજના કાર્યક્રમમાં રોડ સેફ્ટીના વિશેષજ્ઞોએ માર્ગ સલામતીના પાઠ ભણાવ્યા હતા અને વાહન ચલાવતી વખતે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું જાેઇએ તે અંગે માહિતી આપી હતી. વિશેષજ્ઞોએ કહ્યું હતું કે આવા જાગૃતિવાળા કાર્યક્રમો યોજાવા જાેઇએ જેથી લોકો વાહન ચલાવતી વખતે સાવધાની રાખે.