શરૃ થનારી યુએસ ઓપન અગાઉ ન્યૂયોર્કમાં જ ચાલી રહેલી સાઉથન એન્ડ વેસ્ટર્ન ઓપનમાં વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર યોકોવિચે અમેરિકાના સેન્ડગ્રેનને સીધા સેટોમાં ૬-૨, ૬-૪થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. બ્રિટનના એન્ડી મરેની ડ્રીમ રન કેનેડાના રાઓનિકે અટકાવતા ૬-૨, ૬-૨થી જીત હાંસલ કરી હતી.  યોકોવિચનો મુકાબલો જર્મનીના જેન-લેન્નાર્ડ સ્ટ્રફ સામે થશે.

જેણે બેલ્જીયમના ડેવિડ ગોફિન સામે ૬-૪, ૩-૬, ૬-૪થી જીત હાંસલ કરી હતી. જ્યારે રાઓનિકની ટક્કર સર્બિયાના ફિલિપ ક્રાજીનોવિચ સામે થશે. પ્રથમ રાઉન્ડમાં જ ઓસ્ટ્રિયાના સેકન્ડ સીડેડ પ્લેયર થિયમને હરાવીને સનસનાટી મચાવનારા ક્રાજીનોવિચે ઈટાલીના ફુસ્કોવિચને ૬-૨, ૬-૧થી હાર આપી હતી. ગ્રીસના સિત્સિપાસે ૭-૬(૭-૨), ૭-૬ (૭-૪)થી અમેરિકાના જોન આઇસનરને મહાત કર્યો હતો.

હવે સિત્સિપાસની ટક્કર અમેરિકાના રૅલી ઓપૅલ્કા સામે થશે. ઓપૅલ્કાએ ઈટાલીના બેરેન્ટિનીને ૬-૩, ૭-૬ (૭-૪)થી હરાવીને આગેકૂચ કરી હતી. રશિયાનો મેડ્વેડેવ અને સ્પેનનો આગટ ક્વાર્ટર ફાઈનલમાં આમને-સામને ટકરાશે. મેડ્વેડેવે સ્લોવેડિયાના બૅડેનને ૬-૩, ૬-૩થી અને આગટે રશિયાના ખાચાનોવને ૪-૬, ૬-૩, ૬-૨થી હાર આપી હતી.