ટોક્યો- 

વિશ્વના ટોચના ક્રમાંકિત ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચનું ગોલ્ડન સ્લેમ પૂર્ણ કરવાનું સપનું શુક્રવારે ઓલિમ્પિકની મેન્સ સિંગલ્સ સેમિફાઇનલમાં એલેક્ઝાન્ડર ઝ્‌વેરેવ સામે હારીને તૂટી ગયું હતું. સર્બિયન ખેલાડીને પ્રથમ સેટમાં પાછળ પડ્યા બાદ બે કલાક અને ત્રણ મિનિટ સુધી ચાલેલી મેચમાં જર્મનીના ઝ્‌વેરેવ સામે ૧-૬, ૬-૩, ૬-૧થી પરાજય થયો હતો.

જોકોવિચ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ગોલ્ડન સ્લેમ પૂર્ણ કરનાર પ્રથમ પુરુષ ખેલાડી બનવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન જીત્યો છે જ્યારે યુએસ ઓપન યોજવાનું બાકી છે. ગોલ્ડન સ્લેમ એ જ વર્ષે તમામ ચાર ગ્રાન્ડ સ્લેમ સાથે ઓલિમ્પિક ગોલ્ડ જીતવાનું છે. સ્ટેફી ગ્રાફ (૧૯૮૮) આ સિદ્ધિ મેળવનાર એકમાત્ર ટેનિસ ખેલાડી છે.

ચોથો ક્રમાંકિત ઝ્‌વેરેવ ગોલ્ડ મેડલ માટે કેરેન ખાચનોવ સામે ટકરાશે. રશિયન ખેલાડીએ બીજા સેમિફાઇનલમાં સ્પેનિયાર્ડ પાબ્લો કેરેનો બુસ્તાને ૬-૩, ૬-૩ થી હરાવ્યો. બ્રોન્ઝ મેડલ મુકાબલામાં જોકોવિચ બુસ્તા સામે ટકરાશે.